એકતરફી પ્રેમીને દંડ ન કરતાં માન સન્માન અકરામ આપો!!! (બખડ જંતર)

30

સામાન્ય રીતે જે વ્યકિતઓ સફળતાના શિખરો સર કરે, સફળતા જેના ચરણો તુમે તેના નામ ઇતિહાસના પૃષ્ઠો પર અંકિત થતા હોય છે. એલેકઝાન્ડર સિકંદર, સમ્રાટ ચંદ્રગુર્ત મૌર્ય, મહારાણી પ્રતાપ, સિધ્ધરાજ જયસિંહ, આઇન્સ્ટાઇન, ગ્રેહાન બેલ વગેરે . સૂચિ પ્રતિકાત્મક છે. તમે તમારા જોખમે તમારૂં નામ ઘરવાળીની સંમતિ મેળવી ઉમેરી શકો છો.
પ્રેમના ક્ષેત્રમાં વિપરીત પરિસ્થિતિ છે. પ્રેમમાં સફળ પુરૂષ પ્રેમિકા સાથે લગ્ન કરી ટીશર્ટ અને લુંગી પહેરી મેથીની ચાર ઝૂડી ખરીદ કરવા કે વટાણા ફોલવાના પતિસટોસટ (નવો શબ્દ છે જીવસટોસટ જેવો!!) ના કામો ક્ષતિરહિત કરે તેમાં તેના જીવનની ઇતિશ્રી છે. તેમના નામ ગોરધન ગ્રંથમાં સમાવવામાં આવે છે.
પ્રેમના પંથ પર નિષ્ફળ નીવડ્યા ( આ સફળતામાં સ્ત્રી નહીં પણ રૂઢિચુસ્ત સમાજનો હાથ હોય છે!) હોય તેના નામો, કથા, ગાથા કર્ણોપકર્ણ મુખોપમુથ ગુંજતી રહે છે. એમના માટે નિષ્ફળતા એ પ્રસિદ્ધિની સીડી કે એસ્કેલેટર છે!!! કેટલાક નામો જગજાહેર કે જગમશહુર છે.
રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સરહદોને અતિક્રમીને સીમાડા-સરહદો વળોટીને કિંવદંતી બનેલા છે. રોમિયો-જુલિયેટ. કયાં દેશના હતા? કોઇને ખબર નથી . ઔદીચ્ય સહસ્ત્ર કે ઝાલાવાડી હતા? ગૌત્ર શું હતું કોઇને ખબર નથી? ઇડબલ્યુએસ કવોટામાં આવતા હતા કે અનુસૂચિત જનજાતિ કોઇને ખબર નથી?? એમનો પ્રેમ અનુલોમ કે પ્રતિલોમ હતો એ પણ ખબર નથી?? તેઓ વેજિટેરિયન કે નોન વેજિટેરિયન હતા, જુતાની કંઇ સાઇઝ હતી ? કોઇ માહિતી ઉપલબ્ધ નથી. છતાં પ્રેમનું નામ પડે એટલે તેનુંનામ યાદ આવે જ. સોહિણી મહિવાલ કે હીર રાંઝા આ કેટેગરીના ટવિંકલ ટવિંકલ લિટલ સ્ટાર છે. જે હંમેશા ચમક્યા કરે છે.
સફળ કે અસફળ પ્રેમીઓ ઉપરાંતસમાજન બહુધા વર્ગ એકતરફી પ્રેમીઓનો છે. દેશની ૧૩૫ કરોડ વસ્તીમાંથી ૧૩૪ કરોડ નવાણું લાખ એકતરફી પ્રેમી છે. તમે જો ખરેખર પ્રામાણિક હોવ તો હ્‌દય પર હાથ મુકી સાચેસાચ કહેજો કે જીવનના કોઇપણ તબક્કે તમે કેટલી છેલછબીલી છમકછલ્લો ને એકતરફી પ્રેમ કર્યો છે? ઓછામા ઓછી સો રૂપાળી રાધાને એકતરફી પ્રેમ કર્યો હશે. બધું જાહેર કરવાની જરૂરત નથી નહીંતર સિસ્મોગ્રાફ પર ભૂકંપનો રિચર સ્કેલ માપી શકાશે નહીં!!
અમારી સાથે કોલેજમાં ભૂપેન્દ્ર નામનો મિત્ર ભણતો હતો. એ એક છોકરીને ચાહતો હતો. એ છોકરીને એક, બે , ત્રણ નહીં પણ મોહમ્મદ ગઝનવીએ સતર વાર સોમનાથ પર આક્રમણ કરેલ તેમ સતરવાર પ્રેમનો ઇજહાર કરેલો . ઉષ્માએ જરાય ઉષ્મા પકડ્યા વિના ઠંડા કલેજે સતરવાર ના પાડેલી!!!
એકતરફી પ્રેમીઓ બુધ્ધિજીનીની જેમ નિરુપદ્રવી અને નપુંસક હોય છે. તે સામેના પાત્રને હાનિ પહોંચાડતા નથી. એમનો એકતરફી પ્રેમ હર્બલ અને ઓર્ગેનિક હોય છે. મને પારિજાતનું પુષ્પ ગમે છે તો તેના વૈજ્ઞાનિક કે પારાભૌતિક કારણો-તારણો- મારણો-ધારણા-અવધારણા હોઇ શકે નહીં. એ રીતે મને આલિયા ભટ ગમે છે તો ગમે છે. એ જરૂરી નથી કે આલિયા ભટને હું ગમું છું કે નહીં? મારા પક્ષે પ્રેમ છે, આલિયાના પક્ષે નહી.
બિચારા એકતરફી પ્રેમીઓ ઘર, શાળા, કોલેજ, કેન્ટિન,બ્યુટી પાર્લર, પાનના ગલ્લે કે શાક માર્કેટમાં ક્રિકેટમાં થર્ડમેન કે સ્લિપમાં ફિલ્ડર જે એકાગ્તાથી ફિલ્ડિંગ ભરતો હોય તેમ ફિલ્ડિંગ ભરે છે. એકતરફી પ્રેમીઓ વીમા એજન્ટ જેવા આશાવાદી હોય છે. વન ફાઇન મોર્નિંગ રૂપની પૂરણપોળી તેને મળવાની છે!! તેનું ધૈર્ય ઉગ્રતપશ્રર્યા કરતા ધ્રુવ જેવું હોય છે. જેમ પાપારાઝીઓ સેલિબ્રિટીને કોન્સ્ટન્ટ ફોલો કરે તેમ તેના પ્રિય પાત્ર પાછળ ભૂખ્યા તરસ્યા ફોલો કરે છે. સામેના પાત્રને નુકસાન કરવાની નકારાત્મક વૃતિનો સદંતર હ્રાસ હોય છે!! એકતરફી પ્રેમીઓને ઇતિહાસે અન્યાય કર્યો છે તેમના યોગદાનને યોગ્ય સ્થાન આપેલ નથી. તેમને ભવિષ્યની પેઢી માફ કરશે નહીં!!
સામા પક્ષે મહિલાઓ પણ એકતરફી પ્રેમનો સામ, દામ,દંડ, ભેદ,કુનેહ અને કૌશલ્યથી સામનો કરે છે. ઘણીવાર તો રૂપાળી રાધા પણ કોઇ મોચોમેન કે મસ્કયુલર હરકયુલસ જેવા જુવાન એકતરફી પ્રેમનું પ્રબળ આકર્ષણ અનુભવતી હોય છે!!! અપવાદરૂપ સલમાન જેવા હિંસક અને પઝેશિવ પ્રેમી હોય છે. “તેરે નામ” સિનેમામાં આ બાબત દર્શાવવામાં આવી છે. તુમ મુજકો ન ચાહો તો કોઇ બાત નહીં, તુમ કિસી ઓર કો ચાહો તો મુશ્કીલ( જલન. દિલ જલતા હૈ તો જલને દે ટાઇપ જલન) હોંગી. ક્યારેક પ્રેમિકા પર એસિડ નાંખી દે. બાકી બધા બાના ડાહ્યા ડમરા બચુડ્યા!!
એકતરફી પ્રેમીઓ સંબંધમાં ફાસ્ટ હોય છે. તેઓ એકતરફી પ્રેમમાં પડે કે એકતરફી સગાઈ, લગ્ન અને વર્ચ્યુઅલ હનીમુન પણ કરે છે. તેમના સંતાનો પણ થાય છે.
કોઇની દીકરી કે દીકરો કે પત્ની ગુમ થઇ જાય તો હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પીટીશન ફાઇલ કરવામાં આવે છે. બંધારણે આપેલા મૂળભૂત અધિકારોના રક્ષણ માટેના બંધારણીય ઉપચાર હેઠળ આ અધિકાર મળે છે. એક આધેડે એકતરફી પ્રેમિકા મેળવવા હેબિયર્સ કોર્પસ કરી. પંદર વરસથી એકતરફી પ્રેમમાં અંધ છે. પ્રેમિકા તેના જીવનમાં ઠરીઠામ થઇ ગઇ છે!તેના જીવનમાં વમળ કેમ નાંખો છો તેના પ્રશ્ર કર્યો તો પ્રેમી મહાશયે લવ ઇઝ બ્લાઇન્ડ!!
સાહેબ પ્રેમ આંધળો નથી પણ બહેરો છે.સાહેબ પ્રેમ અને યુધ્ધમાં બધું જ યોગ્ય છે. કાયદો અને પ્રેમ એક જ હોડીમાં મુસાફરી કરે છે. કાયદાની દેવીની આંખ પર પટી છે, જે તેના કાન પણ ઢાંકી દે છે!!સાહેબ હરિના મારગની જેમ એકતરફી પ્રેમનો મારગ કંટકયુકત અને શૂરાનો છે. આવા મહાન પ્રેમીઓને દંડ ન કરવાનો હોય. બુકે આપી, શાલ ઓઢાડી પાંચ પચ્ચીસ લાખ રૂપિયાની થેલી આપી પ્રેમરત્ન(ઓબિવિશઅલી વનસાઇડેડ!!)આપી બહુમાન કરવાનું હોય!!!

– ભરત વૈષ્ણવ

Previous articleગારિયાધારમાં તરૂણ ઉપર દુષ્કૃત્ય આચરનાર અને તેને મદદગારી કરનાર આરોપી ઝડપાયા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે