આગામી મિટિંગમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા : શક્તિકાંત દાસ
નવી દિલ્હી, તા.૨૩
ભારતમાં નીચા વ્યાજદરની સાઈકલ પૂરી થઈ હોય તેમ લાગે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં આશ્ચર્યજનક રીતે વ્યાજદર વધાર્યા પછી જૂનમાં પણ રેટ વધે તેવી શક્યતા છે. તેના કારણે ઓટો લોન, હોમ લોનના દર વધી જશે.RBIના ગવર્નર શક્તિકાંત દાસે એક મુલાકાતમાં જણાવ્યું કે આગામી મિટિંગમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. જૂનની મિટિંગમાં RBI ફુગાવાની નવી આગાહી પણ કરશે. તેમણે એમ પણ કહ્યું કે રૂપિયાના મૂલ્યમાં બેફામ ધોવાણ થવા દેવામાં નહીં આવે અને રૂપિયાને તૂટતો અટકાવવા માટે RBI દ્વારા પગલાં લેવાશે. ફુગાવાનો દર સળંગ ચાર મહિના સુધી ૬ ટકાથી ઉપર રહેતા સેન્ટ્રલ બેન્કે ચાલુ મહિને રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરીને રેપો રેટ ૪.૪ ટકા કર્યો હતો. ૬થી ૮ જૂન દરમિયાન આરબીઆઈની મિટિંગ મળશે તેમાં વધુ એક વખત મુખ્ય વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે. ચાલુ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો (CRR)માં પણ ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરીને સીઆરઆર ૪.૫ ટકા કર્યો હતો.



















