૩૧ મે ના રોજ વડાપ્રધાનના હિમાચલપ્રદેશના શિમલાથી લાઇવ થનાર કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ

46

લોકોને સ્પર્શતી યોજનાઓ વધુમાં વધુ લોકો સુધી સંવેદનશીલતાથી પહોંચાડવા જિલ્લાના અધિકારીઓને અનુરોધ કરતાં યોગેશ નિરગુડે
વડાપ્રધાન નરેન્ર્‌ોભાઇ મોદી આવતી તા. ૩૧ મે ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશને હિમાચલપ્રદેશના શિમલાથી ઓનલાઇન માધ્યમથી સંબોધવાના છે.
આ અંતર્ગતનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદારનગર ખાતે આવેલાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઇન અને ભાવનગર ખાતેના અધિકારીઓ રૂબરૂ જોડાયાં હતાં. આ બેઠકને સંબોધન કરતાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ સામાન્ય અને છેવાડાના માનવી માટે ચલાવવામાં આવે છે. આ યોજનાના લાભ તેઓ સુધી સરળતાથી પહોંચે તે માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત કર્મચારીઓ સંવેદનશીલતાથી કાર્ય કરે તે જરૂરી છે. કલેક્ટરે ઉજ્જવલા યોજના, મુદ્રા યોજના, વન નેશન- વન કાર્ડ યોજના, સ્વચ્છ ભારત યોજના, અમૃત યોજના, પોષણ અભિયાન, વિધવા સહાય યોજના અંગેની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ્ય સ્તરે કાર્યરત આશા બહેનો, તલાટી કમ મંત્રી, આરોગ્ય વર્કરો કે જે સીધી રીતે રોજબરોજના કામકાજમાં લોકો સાથે સંકળાયેલ છે. તેવાં કર્મચારીઓની લોકો સુધી આ બધી યોજનાઓ પહોંચાડવાં માટેના સારા માધ્યમ બની શકે છે તે અંગેનું માર્ગદર્શન અધિકારીઓને આપ્યું હતું. તેમણે વન રાશન- વન કાર્ડ માટે અલંગ કે જ્યાં અન્ય રાજ્યના લોકોની વસતિ સારા એવાં પ્રમાણમાં છે ત્યાં પુરવઠા વિભાગને વિશેષ અભિયાન ચલાવવાં માટેના નિર્દેશો પણ આપ્યાં હતાં. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ તથા જિલ્લાના અધિકારીઓ જોડાયાં હતાં.