ઇરાદો હતો લૂંટનો અને બની ગયો હત્યારો, બસ સ્ટેન્ડમાં હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્તનું થયું મોત

39

શહેરના એસટી બસસ્ટોપ પાસે મેડિકલનો સામાન લઈને ઉના જઈ રહેલા વૃદ્ધ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લઈ જેલહવાલે કર્યાં હતા. આ બનાવમાં વૃદ્ધનું ગુરુવારે સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. ગત તા. ૧૭ની રાત્રીના રાજુભાઈ શામજીભાઈ કંકોશીયા (ઉ.વ.૬૨) મેડિકલનો સામાન લઈ ઉના જઈ રહ્યાં હતા ત્યારે ભાવનગર બસ સ્ટેશનના પાછળના ભાગે અજાણ્યા ઈસમોએ લુંટના ઈરાદે તેમના પર છરી વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જે અંગે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી હત્યાના પ્રયાસના ગુના સબબ જેલહવાલે કર્યાં હતા. જ્યારે રાજુભાઈની સારવાર હેઠળ હતા તે દરમિયાન ૯ દિવસની લાંબી સારવાર બાદ ગથ મોડી રાત્રે તેમનું મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.