વીજ માગ વધતા સપ્ટેમ્બરમાં કોલસાની અછતની શક્યતા

29

ઊર્જા મંત્રાલયની આંતરિક સમિતિએ સંકેત આપ્યા : જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં માંગ પ્રમાણે કોલસામાં ૪૨.૫ મિલિયન ટનની અછત આવી શકે છે
નવી દિલ્હી, તા.૨૮
ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૨-૨૩)ના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતને કોલસાની ભારે અછતનો સામનો કરવો પડી શકે છે કારણ કે, ત્યારે વીજળીની માંગ વધવાની આશા છે. ઊર્જા મંત્રાલયની આંતરિક સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે, તેનાથી દેશમાં વ્યાપક વીજ કાપનું જોખમ વધી ગયું છે.એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં માંગ પ્રમાણે કોલસાના પુરવઠામાં ૪૨.૫ મિલિયન ટનની અછત આવી શકે છે. આ અછત છેલ્લા સંકટથી ૧૫% વધારે હોઈ શકે છે જ્યારે વીજળીની વધારે માંગને કારણે અછત ઉત્પન્ન થઈ હતી. આ ગંભીર પૂર્વાનુમાન ભારતમાં ઈંધણની અછતને એવા સમયમાં દર્શાવી રહ્યું છે જ્યારે છેલ્લા ૩૮ વર્ષોમાં વીજળીની વાર્ષિક માંગમાં સૌથી તેજ વધારો જોઈ શકાય છે અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કોલસાના પુરવઠામાં અછત આવી છે અને કોલસાની વૈશ્વિક કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી છે. આ સંજોગોમાં ભારતે તાજેતરના દિવસોમાં પાવર પ્લાન્ટ્‌સ પર કોલસાની આયાત વધારવા માટે દબાણ વધાર્યું છે અને ચેતવણી આપી છે કે, જો પાવર પ્લાન્ટ્‌સ આયાત કરીને તેમની કોલસાની ઈન્વેન્ટરીઝ નહીં બનાવે તો તે સ્થાનિક રીતે ખનન કરાયેલા કોલસાના પુરવઠામાં ઘટાડો કરશે.મંત્રાલયની પાવર પ્રેઝન્ટેશનની એક સ્લાઈડમાં આ બતાવવામાં આવ્યું હતું કે, મોટાભાગના રાજ્યોને કોલસાની આયાત કરવા માટેનો કોન્ટ્રાક્ટ હજુ નથી આપ્યો. વીજ મંત્રાલયના પ્રેઝન્ટેશન પ્રમાણે એપ્રિલના અંત સુધી માત્ર એક રાજ્યએ જ કોલસાની આયાત માટે ટેન્ડર આપ્યા છે. મંત્રાલયના બે વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારે વર્ચ્યુઅલ મીટિંગમાં આ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય કોલસા અને વીજ મંત્રી હાજર રહ્યા હતા.
તેમના સિવાય કેન્દ્ર અને કેન્દ્ર અન રાજ્યોના ઉચ્ચ ઉર્જા અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.