સુભાષનગરમાં રોકડા એક લાખ અને સોનાના દાગીના મળી રૂા.૭.૫૦ લાખનો હાથફેરો

10

અલંગમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી પરિવાર સમેત મુંબઇ જતા તસ્કરોએ ખેલ પાડ્યો : ઘરની ચાવી કુંડામાં જ મુકેલી હતી, કોઇ જાણભેદુ પણ હોઇ શકે !
ભાવનગરમાં રથયાત્રા સંદર્ભે એક તરફ પોલીસે પેટ્રોલીંગ વધાર્યું છે અને ખાસ કરીને રાત્રીના સુમારે અસરકારક ચેકીંગ થઇ રહ્યું છે. બીજી બાજુ ચોરીની મૌસમ ખીલી હોય તેમ એક પછી એક ઘરફોડીના સમાચારો આવતા જાય છે. હજુ ગઇકાલે જ સુભાષનગર વિસ્તારમાં એક ઘરમાં તસ્કરોએ કળા કર્યાંના સમાચાર ભુલાયા નથી ત્યાં આજ વિસ્તારમાં ગત સાંજે ચોરીનો વધુ એક બનાવ પોલીસની સામે આવ્યો હતો. અલંગમાં સ્કેપનો વ્યવસાય કરતા અને સુભાષનગરની લક્ષ્મી સોસાયટીમાં રહેતા મકાન માલિક કામ સબબ બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનનો લાભ લઇ ખેલ પાડી દીધો હતો. પડોશીએ જાણ કરતા મકાન માલિકને ખ્યાલ આવ્યો હતો અને ભાવનગર આવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં રૂા.૭.૫૦ લાખનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે. હાલાકી ચર્ચા મુજબ રૂપિયા ત્રીસેક લાખથી વધુનો મુદ્દામાલ ગયો છે ! આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ અલંગમાં સ્ક્રેપનો વ્યવસાય કરતા ભાવેશભાઇ શંભુસીંગ મેરતવાલ (ઉ.વ.૫૨) સુભાષનગર લક્ષ્મી સોસાયટી, પ્લોટ નં.૪૧-બીમાં તેમના પરિવારજનો સાથે વસવાટ કરે છે. તેમની દિકરીને મુંબઇની કોલેજમાં એમ.બી.એ.માં એડમિશન મળ્યુ હોય દિકરીને મુકવા પારસભાઇ અને તેમના પરિવારજનો મુંબઇ ગયા હતા ત્યારે મોટી દિકરી ઓફિસના કામે જયપુર જવાનું હોવાથી ઘરને તાળુ મારી ઘરની દિવાલ પર માટીના કુંડામાં ચાવી મુકીને ગઇ હતી. દરમિયાનમાં તા.૧૩-૬ના વહેલી સવારના ૬ વાગ્યાથી ૯.૩૦ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી સોનાની લગડી નંગ-૨ તથા અન્ય આશરે ૭ તોલાના દાગીના, રોકડ રૂપિયા મળી કુલ રૂા.૭.૫૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. મંગળવારે પારસભાઇને પડોશીઓએ ફોન કરી તેમના ઘરના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું તેમજ બાદમાં ઘરમાં પણ માલ-સામાન વેર-વિખેર હોવાનું જણાવતા પારસભાઇ મુંબઇથી હવાઇ માર્ગે તાબડતોબ ભાવનગર પહોંચ્યા હતાં અને ઘરે આવી જોયું તો લાકડાના કબાટમાં રાખેલ ૨૦૦ ગ્રામની સોનાની બે લગડી, ૩ તોલાનો સોનાનો ચેન, સોનાનું બ્રેસલેટ, સોનાની વિટી વિગેરે મળી ૭ તોલાના આભુષણો તેમજ રોકડા રૂા.૧ લાખ ચોરાયા હોવાની જાણ થતા પોલીસને જાણ કરતા એ.એસ.પી. સફીન હસન સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવ અંગે ભોગ બનનારે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડવામાં ચોરી થયાની મકાન માલિકને ખબર ન હતી, પોલીસે જાણકારી આપી
વડવા, સિદીવાડમાં રહેતા હુસેનભાઇ દિલાવરભાઇ મુસાણી પોતાના ઘરે હતા ત્યારે ગત તા.૧૩મીએ બપોરના સુમારે પોલીસે સામે ચાલીને તેના ઘરે જઇ તમારા ઘરમાં કોઇ વસ્તુની ચોરી થયેલ છે ? તેમ પુછેલ અને પોલીસે એક શકમંદ શખ્સને ઝડપ્યો છે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. આથી હુસેનભાઇએ તપાસ કરતા લોખંડના કબાટમાંથી સોનાનો હાર, સોનાની બુટી તથા ચાંદીની મોટી પોચી, નાની પોંચી અને અન્ય ચાંદીના દાગીના ચોરી થઇ હોવાનું ખુલ્યું હતું. તેઓ ગત તા.૧૧ જુનના ઘરની બાજુના ફ્લેટમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા ત્યારે આ ચોરી થયાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. આમ પોલીસે ભોગગ્રસ્તને સામે ચાલીને જાણકારી આપી હતી. આ બનાવમાં હુસેનભાઇએ સોના-ચાંદીના દાગીના કુલ રૂા.૭૫,૪૦૦ની ચોરી થયાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાવી હતી.

Previous articleભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક : લોકો ખુશખુશાલ
Next articleભાવનગર-બાંદ્રા ટ્રેન આજથી નવારૂપમાં, એલબીએચ કોચમાં મુસાફરી માણવા મળશે