બોટાદની શાળા નજીકથી ૩૦૦૦ લીટર ડિઝલનો જથ્થો મળતા ભારે ખળભળાટ

11

બોટાદની આર.એ. કળથીયા શાળા પાસેથી ૩૦૦૦ લીટર ડિઝલનો જથ્થો તંત્રએ સીઝ કર્યો હતો. આ જથ્થો શાળાના કંપાઉન્ડમાંથી ઝડપાયો છે કે નજીકથી ઝડપાયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જો આગની ઘટના બની હોત તો વિદ્યાર્થીઓના અને શાળાના શિક્ષકો સહિતના સ્ટાફને જીવને જોખમ વધ્યું હોત. તંત્ર દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરાઇ છે. શાળા બિલ્ડીંગમાં જનરેટર, સ્કૂલ વાહનો, એમ્બ્યુલન્સમાં ડિઝલનો જથ્થો વપરાતો હોવાનું ખુલવા પામ્યું હતું. જાણવા મળેલ માહિતી મુજબ બોટાદની આર.એ. કળથીયા સ્કૂલની કંપાઉન્ડ વોલથી ૧૩૫ મીટર જેટલા દુર અન્ય સર્વે નંબરવળી જગ્યામાં ફાયર એનઓસી અને ડિઝલ જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી વગર મોટો ડિઝલનો જથ્થો રખાયો હોવાની વિગતો મળતા મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી આધારો માંગતા મળી નહીં આવતા તાકીદની અસરથી આ અંદાજે ૩૦૦૦ લીટર ડિઝલનો જથ્થો સીઝ કર્યો હતો. જ્યારે શાળા સંચાલકના જવાબમાં પોતાની શાળા એરકંડીશનયુક્ત હોય અને જનરેટર ધરાવતી હોય ઉપરાંત મોટી માત્રામાં સ્કૂલ વાહનો પણ હોય, એમ્બ્યુલન્સ પણ હોય જેના ઉપયોગ માટે આ ડિઝલનો જથ્થો વાપરવા એકત્ર કરાયો હતો અને તેની ખરીદીના પરચેલ બીલો પણ રજૂ કર્યાં હતાં. જો કે, આ સાથે જથ્થો એકત્ર કરવાની પરમિશન અને ફાયર એનઓસી મળી આવ્યું ન હોય તંત્ર દ્વારા જથ્થો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેનો કેસ ડીએસઓમાં મોકલવા અને સેમ્પલ મોકલવા તજવીજ હાથ ધરી હતી. જો કે, એક તબક્કે આટલી મોટી માત્રામાં ડિઝલનો જથ્થો શાળા સંકુલથી માત્ર ૧૩૫ મીટરના અંદર પર રાખવાથી વિદ્યાર્થીઓ પર પણ જાનનું જોખમ બની શકે છે અને વગર પરવાનગીએ ડિઝલ પંપ શાળાએ પોતે બનાવવાના આ બનાવ પ્રકાશમાં આવતા વ્યાપક ચકચાર જાગી હતી.