૧૭ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

21

ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વાત કરીએ તો ૧૪૫ તાલુકામાં શૂન્યથી બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે
રાજ્યમાં ૧૫ જૂન આસપાસ ચોમાસું બેસી ગયું છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને બાદ કરતા અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે ૨૫મી જૂના બાદ રાજ્યમાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. શનિવારે સવારે છ વાગ્યા પૂરા થતા ૨૪ કલાકના આંકડા તપાસીએ તો રાજ્યના ૭૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકમાં ૧૭ તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના ચીખલીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગના સુબીરમાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. સુરતના ઓલપાડમાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં પણ બે ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વાત કરીએ તો ૧૪૫ તાલુકામાં એક એમએમથી બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ૭૩ તાલુકા એવા છે જ્યાં બેથી પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ૨૦ તાલુકા એવા છે જ્યાં પાંચથી ૧૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. ૧૦ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા ૨ છે. જૂન મહિનામાં અત્યારસુધી રાજ્યમાં સરેરાશ ૫૧.૪૭ એમ.એમ. વરસાદ પડ્યો છે. ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો અત્યારસુધી રાજ્યમાં ૬.૦૫ ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં ૧૧ તાલુકા એવા છે જ્યાં બિલકુલ વરસાદ પડ્યો નથી. ઝોન પ્રમાણે પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી ઓછો ૩.૩૩ ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૩.૭૭ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪.૬૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૭.૮૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬.૫૬ ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો જ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, સુરત,વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

Previous articleમહુવાના નિકોલ ગામના મુળભુત પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું
Next articleસાઉથ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કલેક્શન