દરિયામાં લો-પ્રેશર સર્જાવાથી ભારે પવન સાથે વરસાદ પડશે

15

માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ
ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ રહેશે.હાલ રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. ત્યારે મિની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઇ રહી છે. જેથી ગુજરાતના તમામ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યાં જ અહીં ૩૦ થી ૪૦ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છે. ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે. ત્યાં જ જખૌ, માંડવી પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં ૩ નંબર સિગ્નલ લગાવાયું છે.ત્યાં જ હાલમાં વલસાડમાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના આપી છે. આજથી પહેલી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. ત્યાં જ ૩ જિલ્લામાં આજે અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ૧૧ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી ૫ જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે ૫ જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભાજપ-શિંદે જૂથની ડીલ, શિંદે જૂથના ૧૩ પ્રધાન, ૮ કેબિનેટ