સૌની યોજના’ અંતર્ગત રામધરી તથા ચોરવડલા તળાવોનો સમાવેશ ક્યારે થશે?

43

સરકારમાં થયેલી રજૂઆતો અંગે કોઈ સકારાત્મક કાર્યવાહી ન થતાં પંથકમાં રોષ
ગુજરાત સરકાર દ્વારા ‘સૌની યોજના’ વડે છેવાડા વિસ્તારના તળાવોમાં જળરાશિ ઠાલવવાનું વિરાટ કાર્ય થયું છે, ત્યારે આ અંતર્ગત સિહોર તાલુકાના રામધરી તથા ચોરવડલા તળાવોનો સમાવેશ ક્યારે થશે? તે પ્રશ્ન ઊભો છે. નર્મદા યોજના સાથે છેવાડા જળાશયોમાં પાણી નાખવા ‘સૌની યોજના’ અંતર્ગત શરૂઆતના તબક્કાના કામ બાદ વધુ તળાવો સમાવવાની કામગીરી અટકી પડી છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી તથા ચોરવડલા જળસિંચન યોજના તળાવોમાં આ યોજના તળે પાણી નાખવામાં આવે તો આજુબાજુના રામધરી, ઈશ્વરિયા કૃષ્ણપરા, સણોસરા, બજુડ તથા ગોલરામા સહિત પંથકમાં ફાયદો થઈ શકે. આ બાબતે વર્ષ ૨૦૧૩ તથા ૨૦૧૪ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી તેમજ વિભાગોની કચેરીઓમાં ઈશ્વરિયાના તત્કાલીન સરપંચ મૂકેશકુમાર પંડિત દ્વારા વિગતવાર રજૂઆતો થઈ હતી, ત્યારે પ્રાથમિક પ્રત્યુત્તર અને સામાન્ય અહેવાલ સિવાય કોઈ કાર્યવાહી થવા પામી નથી. સરકાર ને થયેલી રજૂઆતમાં હાલમાં આ યોજના તળે જળરાશિ જ્યાં પહોંચી છે તે રંઘોળા જળાશયથી પૂર્વ તરફ અથવા હણોલ જળાશયથી ઉત્તર તરફ ભૂંગળા નાખી આ તળાવોમાં સરળતાથી પાણી પહોંચાડી શકાય તેમ જણાવ્યું છે. ‘સૌની યોજના’ અંતર્ગત રામધરી તથા ચોરવડલા તળાવોનો સમાવેશ ક્યારે થશે? સરકારમાં થયેલી રજૂઆતો અંગે કોઈ સકારાત્મક કાર્યવાહી ન થતાં પંથકમાં રોષ રહેલો છે. જો કે હવે આવી રહેલી ચૂંટણીઓ દરમિયાન કદાચ હલચલ થાય તેમ આશાવાદ રહેલો છે.

Previous articleઅંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુને ૯૪મી અનાજ કીટનું વિતરણ
Next articleશ્રી ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કૂલમાં આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાઈ ગયો.