હવે ભાવનગરમાં મળશે કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ

20

ડ્યુન્સ એવિએશન એકેડમીમાંથી ભાવિ પાઇલોટ્‌સ તૈયાર કરવામાં આવશે
એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ડ્યુન્સ એવિએશન એકેડમી મળીને માત્ર ભાવનગર, ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતના હજારો યુવાનોનું ભાવનગર એરપોર્ટ પર પાઈલટ બનવાનું સ્વપ્ન સાકાર કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ આત્મનિર્ભર ભારતની કલ્પનાને અનુરૂપ, ભારતીય નાગરિક ઉડ્ડયનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ માર્ચ ૨૦૨૨ માં ભાવનગર સહિત, ફ્લાઈંગ સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. દેશના જુદા-જુદા દસ એરપોર્ટ પર ટ્રેનિંગ એકેડમી ને આમંત્રિત કરેલ, જેમાં ભાવનગર એરપોર્ટ, જોધપુરના ગણપત કેર ફાઉન્ડેશનને ફાળવવામાં આવી છે. આ ક્રમમાં, ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમીની વહેલી સ્થાપના માટે એરપોર્ટ ડિરેક્ટર મનીષ કુમાર અગ્રવાલ અને ગણપત કેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી નવનીત અગ્રવાલ વચ્ચે ૨૫ વર્ષ માટે લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે નવનીત અગ્રવાલે માહિતી આપી હતી કે હાલમાં ગણપત કેર ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા રાજસ્થાનમાં સ્થાપિત ટેકનિકલ સંસ્થાઓ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાઓને દેશની મુખ્ય સંસ્થાઓ (જેમ કે NBA, NAAC, UGC) દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. ભાવનગરની ડ્યુન્સ એવિએશન એકેડમી દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણની આ પરંપરાને આગળ ધપાવવામાં આવશે. શૈક્ષણિક ગુણવત્તાને સર્વોપરી રાખીને, તેમની સંસ્થાએ ઝડપથી ઉભરતા ઉડ્ડયન ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે ભાવનગરમાં ડ્યુન્સ એવિએશન એકેડમી સ્થાપવાનું નક્કી કર્યું છે. અગ્રવાલે માહિતી આપી હતી કે આ એકેડમીમાં શરૂઆતમાં ચાર તાલીમ વિમાન, અત્યાધુનિક સિમ્યુલેટર અને ગ્રાઉન્ડ ક્લાસ અને ફ્લાઈંગ તાલીમ યુવાનોને અનુભવી અને વરિષ્ઠ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવશે. ભાવનગરમાં ડીજીસીએના ધારાધોરણો મુજબ તમામ અદ્યતન સંસાધનો અને વિશ્વ કક્ષાની તાલીમ આપવા સંસ્થા પ્રતિબદ્ધ છે. ડ્યુન્સ એવિએશન એકેડેમી દ્વારા ભાવનગર એરપોર્ટ પર કોમર્શિયલ પાયલોટ અને પર્સનલ પાયલોટ લાયસન્સની તાલીમ આપવામાં આવશે. કોમર્શિયલ પાયલોટ માટે ૨૦૦ કલાકની ફ્લાઈંગ ટ્રેનિંગ અને વ્યક્તિગત પાઈલટ માટે ૫૦ કલાકની જરૂર પડે છે. નજીકના ભવિષ્યમાં, એકેડેમી ડ્રોન પાયલોટ તાલીમ અને વાણિજ્યિક વિમાન ઉડાવવા માટે જરૂરી પ્રકારની રેટિંગ તાલીમ માટેની સુવિધાઓ પણ પૂરી પાડશે. આ ક્રમમાં ભાવનગર એરપોર્ટના ડાયરેક્ટર મનીષ કુમાર અગ્રવાલે જણાવ્યું કે, આ એકેડમીના કારણે માત્ર એરપોર્ટ જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ પહેલથી ભાવનગર દેશના ઉડ્ડયન ક્ષેત્રે એક અલગ ઓળખ બનાવશે. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિર્દેશો અનુસાર ભાવનગર એરપોર્ટ પરની એકેડેમીને દિવસ-રાત ફ્લાઈંગ તાલીમ માટે યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Previous articleવલ્લભીપુરમાં અષાઢી ઇનિંગ્સ ખેલતો મેહુલીયો, ધોધમાર ત્રણ ઇંચ વરસાદ
Next articleરૂપાવટીના રહિશોનું અનશન આંદોલન પાંચમાં દિવસમાં પ્રવેશ્યું, તંત્ર સામે ભભુકતો આક્રોશ