રૂપાવટીના રહિશોનું અનશન આંદોલન પાંચમાં દિવસમાં પ્રવેશ્યું, તંત્ર સામે ભભુકતો આક્રોશ

8

આ પ્રશ્નને ઉકેલવામાં તંત્ર જો દુર્લક્ષ સેવશે તો વધુ ઉગ્ર પગલાં અને દેખાવો કરવા ઉપવાસીઓની ચિમકી
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે એક મહિના પહેલાં એક મુસ્લિમ વ્યક્તિનું મરણ થતાં હિન્દુ રહેણાક વિસ્તારની બાજુમાં તેની દફનવિધિ કરી હતી. આ મામલો વિવાદી બન્યો છે અને બંને કોમ વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તત્કાલીન સમયે સ્થાનિક હિન્દુ સમાજના લોકોએ વિરોધ નોંધાવી તંત્રને પણ આવેદન પાઠવ્યું હતું. આ મામલે કોઇ ઉકેલ નહીં જણાતા છેલ્લા પાંચ દિવસથી ફરી ગ્રામજનોએ ગારિયાધાર મામલતદાર કચેરી સામે અનશન આંદોલન માંડ્યું છે પરંતુ લોકોનું કહેવું છે કે, તંત્ર આ બાબતે કાર્યવાહી કરવાને બદલે આંખ આડા કાન કરી રહ્યું છે. આ બાબતે ગામના અગ્રણી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક હિત શત્રુઓ આ દફનવિધિ આ જગ્યાએ કરીને હિન્દુ- મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે પ્રયત્નો કરે છે.તેથી તાત્કાલિક આ શબને યોગ્ય રીતે દફન કરવાં અમારી માંગ છે. ગામના બીજા અગ્રણી મહાવીરસિંહ ગોહિલે કહ્યું કે અમોએ આ અંગે નિભર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતાં અમારે ૨૮ તારીખથી ઉપવાસ પર બેસવાની જરૂર પડી છે. દરરોજના લગભગ ૫૦ વ્યક્તિઓ આમરાણાતં ઉપવાસ કરે છે. જેની યાદી મામલતદારને સુપ્રત કરી છે. અમો ગારિયાધાર મામલતદાર કચેરીની બહાર આ અંગેનું આંદોલન ચલાવી રહ્યાં છીએ. આગામી દિવસોમાં આ પ્રશ્નને ઉકેલવામાં તંત્ર જો દુર્લક્ષ સેવશે તો અમો આનાથી પણ વધુ ઉગ્ર પગલાં ભરીશું. ગારિયાધાર ખાતે રોજ રુપાવટી ગામના ૫૦૦ લોકો હાજર રહી પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે. ચાર દિવસથી ચાલી રહેલાં આંદોલનમાં અનેક લોકોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આટલાં દિવસો થવાં છતાં સરકારી તંત્રએ બે જવાબદાર રીતે નિભરતા દાખવીને ગંભીર બેદરકારી દર્શાવેલ છે.સરકારના જવાબદાર લોકોએ કોઈ વિશેષ કામગીરી ન કરતા લોકોમાં નારાજગી જોવાં મળે છે.