દેવધર એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

2

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઝારખંડ રાજ્યના વધુ ત્રણ શહેરોમાં એરપોર્ટ બનાવવા માટેનું એલાન કરી દીધું
દેવધર,તા.૧૨
બાબા ભોલેનાથની નગરી દેવઘર પણ મંગળવારથી દેશના એરપોર્ટ માનચિત્ર પર આવી ગયું છે. દેવઘર એરપોર્ટનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ અવસર પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઝારખંડના વધુ ૩ શહેરોમાં એરપોર્ટ બનાવવાનું એલાન કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ બોકારો, દુમકા અને જમશેદપુરમાં પણ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ત્રણ શહેરોમાં એરપોર્ટ બનવાથી ઝારખંડમાં કુલ ૫ એરપોર્ટ થઈ જશે. રાંચી બાદ દેવઘરમાં પણ એરપોર્ટ ઓપન થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ ૧ઃ૦૫ વાગ્યે દેવઘર એરપોર્ટ પહોંચ્યા હતા. દેવઘર પહોંચતા ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈંસ, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર સીએમ હેમંત સોરેને કહ્યું કે, આજનો દિવસ માત્ર દેવઘર માટે જ નહીં પરંતુ ઝારખંડ માટે પણ ઐતિહાસિક દિવસ છે. આજે દેવઘરનું એરપોર્ટનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ઝારખંડ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહયોગથી સતત પ્રગતિ કરી રહ્યું છે. હેમંત સોરેને કહ્યું કે પીએમ મોદી દ્વારા આ સિદ્ધ થઈ રહ્યું છે, અમે ભાગ્યશાળી છીએ. આજનો દિવસ માત્ર દેવઘર માટે જ નહીં પરંતુ સમગ્ર ઝારખંડ માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે જે સપનું જોઈએ છીએ અને જ્યારે તે સાકાર થાય છે ત્યારે આપણે તેનો વાસ્તવિકતામાં અનુભવ કરીએ છીએ તો તેની ખુશી કંઈક અનેરી હોય છે. તે સપનું સાકાર કરવા આજે વડાપ્રધાન આપણી વચ્ચે આવ્યા છે તે આપણા માટે ગર્વની વાત છે. હેમંત સોરેને કહ્યું કે, આ એરપોર્ટ માટે ૩૦૦ પરિવારો વિસ્થાપિત થયા હતા તેમનો આભાર માન્યો હતો. તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજ્ય સરકારે હંમેશા દેશની પ્રગતિમાં સહયોગ આપ્યો છે. નિશ્ચિતપણે જો કેન્દ્ર મારી સાથે રહેશે તો હું કહેવા માંગુ છું કે આગામી ૫ વર્ષમાં ઝારખંડ દેશના અગ્રણી રાજ્યોમાં સામેલ થઈ જશે.