૨૦૨૩ માટે નોમુરાએ ભારતના જીડીપી ગ્રોથના અંદાજને ઘટાડ્યો

4

ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટેના ભારતના વિકાસદરનો દર અંદાજ ઘટાડીને ૪.૭ ટકા કર્યો છે
નવી દિલ્હી, તા.૧૩
મહામારી બાદ હવે મોંઘવારી અને વ્યાજ વૃદ્ધિને લીધે દુનિયાભરમાં વધી રહેલી આર્થિક મંદીની આશંકા વચ્ચે રેટિંગ એજન્સી નોમુરાએ નણાંકીય વર્ષ ૨૦૨૩ માટેના ભારતના વિકાસદરના અંદજમાં ઘટાડો કર્યો છે. નોમુરાએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટેના ભારતના વિકાસદરનો દર અંદાજ ઘટાડીને ૪.૭ ટકા કર્યો છે જ્યારે તેની અગાઉ ૫.૪ ટકાના ગ્રોથની અપેક્ષા હતી. નોમુરાએ ભારત અને એશિયા (જાપાન સિવાય) માટે એક નોંધમાં જણાવ્યુ કે, નિકાસના મોરચે મુશ્કેલીઓ આવવી શરૂ થઇ ગઇ છે, તો જંગી આયાતથી માસિક વેપારખાધ વિક્રમી ઉંચાઇ તરફ આગળ વધી રહી છે. ઉંચો ફુગાવો, કડક મોનેટરી પોલિસી, ખાનગી મૂડીખર્ચમાં ઘટાડો, વિજળીની અછત અને વૈશ્વિક મંદીની આશંકાઓ મધ્યમ ગાળા માટે પડકારોરૂપ છે. આથી અમે ભારતના વિકાસદરનો અંદાજ અગાઉના ૫.૪ ટકાથી ઘટાડીને હવે ૪.૭ ટકા કર્યો છે. અલબત્ત ભારતીય અર્થવ્યવસ્થા માટે તમામ સંભાવનાઓ છુપાયેલી છે. નોમુરાએ કહ્યુ કે, સર્વિસ સેક્ટરમાં સારી રિકવરી અને જાહેર ખર્ચનું પ્રોત્સાહન તેમજ બેન્ક ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિના સહારે અર્થતંત્ર મહામારી પૂર્વેના સ્તરે પહોંચી ગયુ છે. વપરાશ, રોકાણ, ઉદ્યોગો અને બાહ્ય ક્ષેત્રોમાં સુધારો થયો છે. મોંઘવારીને ડામવા માટે સરકાર તરફથી તાજેતરમાં પગલાંઓ લેવાયા હોવા છતાં પણ ફુગાવો હજી વધી શકે છે એવુ નોમુરાનું માનવુ છે. આથી નોમુરાએ વર્ષ ૨૦૨૨માં રિટેલ ઇન્ફ્લેશન સરેરાશ ૬.૯ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૫.૯ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.