સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, બસને ક્રેન દ્વારા નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી
ખરગોન, તા.૧૮
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર નર્મદા નદીમાં એક બસ ખાબકી હતી. નર્મદા નદીમાં બસ ખાબકતા ૧૬ મુસાફરનાં મોત થયા હોવાના રિપોર્ટ પણ સામે આવ્યા છે. બનાવની જાણ થતાં જ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આ ઘટનાને લઈને માહિતી મેળવી રહ્યા છે. સીએમઓ દ્વારા એવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે કે, બસને ક્રેન દ્વારા નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, નદીમાંથી ૧૬ મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં ૧૬ મુસાફરોનાં કરુણ મોત નીપજ્યાં છે. સાથે જ ૧૫ મુસાફરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટના ખલઘાટના સંજય સેતુ પર સર્જાઈ હતી. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આ બસ મહારાષ્ટ્ર રોડવેઝની છે. બસ ઈન્દોરથી પૂણે જઈ રહી હતી. નર્મદા નદીના પુલ પર બ્રેક ફેઈલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. તપાસ બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. તેઓએ કહ્યું કે, નર્મદા નદીનો પ્રવાહ પણ તેજ છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે, બસમાં ૫૦-૫૫ મુસાફરો સવાર હતા.તો આ દુર્ઘટના બાદ ડિવીઝનલ કમિશનર ડૉક્ટર પવન કુમાર શર્માએ બંને જિલ્લાના કલેક્ટર્સને ઘટના સ્થળ પર પહોંચવા માટે નિર્દેશ આપ્યો છે. દુર્ઘટના ખલ ઘાટમાં બનેલા નર્મદા નદી પર બનેલા પુલ પર બની હતી. આ બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર તરફ થઈ રહી હતી એ દરમિયાન કરુણાંતિકા સર્જાઈ હતી. ખરગોનના કલેક્ટર કુમાર પરષોત્તમ અને એસપી ધર્મવીર સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બસમાં ઈન્દોર અને પૂણેના મુસાફરો સવાર હતા.સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ દુર્ઘટનાને લઈને તાગ મેળવી રહ્યા છે. સાથે જ સૂચના મળતા જ તંત્રને ઝડપથી ઘટના સ્થળે પહોંચવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. બસને બહાર કાઢવા માટે અને તેમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યુ ઓપરેશન પણ તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એસડીઆરએફને ઘટના સ્થળે મોકલવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવા નિર્દેશ આપવામાં આવ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન શરુ યા બાદ બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ખરગોન, ધાર અને ઈન્દોર જિલ્લા તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એ સાથે જ નદીમાંથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય કેટલાંક મુસાફરોનાં મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે.



















