નુપૂર શર્માની ધરપકડ ઉપર સુપ્રીમની ૧૦ ઓગસ્ટ સુધી રોક

9

વાંધાજનક નિવેદન આપવાના કેસમાં નુપૂરને રાહત : કુલ નવ ફરિયાદો દાખલ થઈ છે જેમાં એક દિલ્હીમાં, ૫ મહારાષ્ટ્રમાં, બે પ. બંગાળમાં અને એક તેલંગાણામાં નોંધાઈ
નવી દિલ્હી , તા.૧૯
સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ધરપકડ સામે ૧૦ ઓગસ્ટ સુધી રક્ષણ આપ્યું છે. તેમની સામે મહમંદ પયગંબર વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ અલગ-અલગ રાજ્યોમાં કેસ નોંધાયા છે. નૂપુર શર્માએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેના પર આજે સુનાવણી કરતા કોર્ટે નૂપુર શર્માને ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું. આ મામલે વધુ સુનાવણી હવે ૧૦ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે વિવાદિત નિવેદન બદલ તેમની સામે હવે પછી નોંધાનારી કોઈ ફરિયાદમાં પણ ધરપકડ ન કરવા જણાવ્યું છે.નૂપુર શર્મા સામે કુલ નવ ફરિયાદો દાખલ થઈ છે જેમાં એક દિલ્હીમાં, પાંચ મહારાષ્ટ્રમાં, બે પશ્ચિમ બંગાળમાં અને એક તેલંગાણામાં નોંધાઈ છે. નૂપુર શર્માએ આ તમામ ફરિયાદમાં અલગ-અલગ તપાસ કરવાને બદલે તેમને એક કરી દેવા પણ કોર્ટમાં અપીલ કરાઈ હતી. તેમના વતી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ મનિન્દર સિંહે જણાવ્યું હતું કે, ૧ જુલાઈના ઓર્ડરમાં કોર્ટે આ અંગે શર્માને સંલગ્ન હાઈકોર્ટમાં જવા કહ્યું છે. નૂપુર શર્મા સામે જે રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ છે તે રાજ્યોની કોર્ટમાં તેઓ રાહત મેળવવા જાય તે યોગ્ય નથી તેવું નોંધતા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કેન્દ્ર અને જે રાજ્યોમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમને આ મામલે નોટિસ મોકલીને ૧૦ ઓગસ્ટ સુધીમાં તેમનો જવાબ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૦૧ જુલાઈના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમની આ જ બેન્ચે નૂપુર શર્માની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે તેમના નિવેદનને કારણે દેશમાં આગ ભડકી ઉઠી છે, અને જે કંઈ થયું છે તે તેના માટે માત્ર તેઓ જ જવાબદાર છે. સુપ્રીમના આકરા વલણ સામે નૂપુર શર્માએ તમામ એફઆઈઆરને એક કરવાની પોતાની પિટિશન પણ પરત ખેંચી લીધી હતી. પયગંબર સામે નૂપુર શર્માએ આપેલા વિવાદિત નિવેદનથી મુસ્લિમ સમુદાયમાં સખ્ત નારાજગી જોવા મળી હતી. તેનો વિરોધ કરવા માટે દેશમાં ઠેર-ઠેર રેલીઓ કાઢવામાં આવી હતી. એટલું જ નહીં, ગલ્ફ દેશોએ પણ તેની સામે સખત વાંધો લેતા આંતરરાષ્ટ્રીય સમુદાય વચ્ચે દેશની છબીને નુક્સાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ ભાજપે નૂપુર શર્માને પ્રવક્તાના પદેથી તાત્કાલિક અસરથી હટાવી દીધા હતા. નૂપુર શર્માનું કથિત સમર્થન કરવા બદલ ઉદયપુરમાં એક વ્યક્તિની હત્યા પણ કરાઈ હતી, આવો જ એક કેસ મહારાષ્ટ્રમાં પણ બન્યો હતો.

Previous articleપશ્ચિમી સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા ભારત અને ચીન સમંત
Next articleનુપૂર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર ચપ્પાથી પ્રહાર