ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧રની તમામ સ્ટ્રીમનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. જેથી હવે નાપાસ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે જુલાઇમાં પૂરક પરીક્ષા લેવાશે, પરંતુ ધો.૧રના જ બે વિભાગો સાયન્સ અને કોમર્સમાં પૂરક પરીક્ષા બાબતે ભેદભાવ ભરી નીતિ અપનાવાઇ છે.
ધો.૧ર સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવાની છૂટ અપાઇ છે. જ્યારે વાણિજ્ય (કોમર્સ)ના ધો.૧રના વિદ્યાર્થીઓને માત્ર એક જ વિષયમાં નાપાસ હોય તો પૂરક પરીક્ષા આપવાની છૂટ અપાઇ છે. એકને બે અને બીજાને એક જ વિષયની પૂરક પરીક્ષા આપવાની બેધારી નીતિના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે. એક તો વાણિજ્યનું પરિણામ જ નીચું આવ્યું છે અને તેમાં એક જ વિષયની પરીક્ષાની છૂટને કારણે ડ્રોપ આઉટ રેશિયો વધવાની શકયતા વધી રહી છે.જો બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તો ડ્રોપઆઉટ રેશિયો ઘટી શકે છે. વાણિજ્યમાં ગુજરાતી માધ્યમમાં સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી રાખનારા ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સામાન્ય પ્રવાહમાં ૧૦૦એ ૪પ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
જેેમાંથી ૧પ જેટલા વિદ્યાર્થીઓ એક અને ૩૦ જેટલા વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયા છે. જો તેમની પણ પૂરક પરીક્ષા લેવાય તો તેઓ જે તે બે વિષય ક્લિયર કરીને અભ્યાસ આગળ વધારી શકે છે.
ગુજરાતી માધ્યમના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં નાપાસ થયા છે. હવે એ વિદ્યાર્થીઓ બીજા પણ કોઇ એક વિષયમાં નાપાસ થાય તો તેમનું વર્ષ બગડી શકે છે.