હજી અઠવાડિયું વરસાદ નહીં પડે  હવામાન ખાતાએ ૨૬મીની મુદત પાડી

2015

છેલ્લા વીસ દિવસથી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં એક જ ચર્ચા હરતરફ ચાલી રહી છે કે, યાર… આ વરસાદ ક્યારે આવશે? હવામાન ખાતાએ પહેલાં આગાહી કરી હતી કે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું બેસી જશે કારણ કે કેરળમાં મેના છેલ્લા સપ્તાહમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારબાદ ૧૫ જૂન અને પછી ૨૦ જૂનની તારીખ આવી હતી. બીજીતરફ ગરમી અને ઉકળાટનો બેવડો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે અને સિંચાઈના પાણી વિના ખેડૂતો બેહાલ થઈ ગયા છે. હવે હવામાન ખાતાએ ફરી નવી મુદત આપી છે અને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી અને ૨૬ જૂનની આસપાસ વરસાદ પડી શકે છે. આઈએમડી રિજનલ ડિરેક્ટર, જયંત સરકારે કહ્યું હતું કે, અત્યારે રાજ્યના દરિયાકાંઠે એવી કોઈ સિસ્ટમ રચાઈ રહી નથી કે જેના કારણે બે-ત્રણ દિવસમાં વરસાદ આવી શકે. જો કે, એનો મતલબ એવો નથી કે ચોમાસું નબળું પડી ગયું છે. પરંતુ વાસ્તવમાં ચોમાસું થોડુંક મોડું પડી રહ્યું છે અને આમેય ગુજરાતમાં તો જૂનના છેલ્લા સપ્તાહ સુધીમાં જ ચોમાસું બરાબર બેસતું હોય છે એટલે અત્યારે ચોમાસું લેટ છે એવું તો ન જ કહી શકાય.  જો કે, ચોમાસાનું આગમન નહીં થવાને કારણે આગામી દિવસો દરમિયાન રાજ્યનું તાપમાન એકંદરે ૪૦થી ૪૪ ડિગ્રીની વચ્ચે જ રહેવાની સંભાવના છે. આ સંજોગોમાં લોકોમાં ભારે ઉકળાટ જોવા મળશે.

Previous articleયુનિ. ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો
Next articleબ્રહ્માકુમારી કેન્દ્ર, સેકટર-ર૮ ખાતે યોગ દિનની ઉજવણી કરાઈ