ભીમ અગિયારસના પવિત્ર પર્વે મેઘરાજાએ જિલ્લામાં શુકન સાચવ્યું : શહેરમાં રાહ જોવાઈ

1190

ભાવનગર જિલ્લામાં જેઠા માસના મધ્યભાગે મેઘરાજાએ હસ્તક દેતા લોકોના હૈયે હાશકારો થયો છે. જિલ્લાના અનેક તાલુકામાં હળવાભારે ઝાપટા સાથે સિઝનનો પ્રથમ વરસાદ થયો છે.

સમગ્ર રાજય સાથો સાથ ભાવનગર શહેર જિલ્લામાં વસતા લોકો લાંબા સમયથી મેઘ મહેરની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે ઘણા વર્ષો બાદ ભીમ અગિયારસેના શુભ તહેવારે ભાવનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં કૃપા દ્રષ્ટી વરસાવી છે. હળવા ભારે ઝાપટા સાથે સિઝનના પ્રથમ વરસાદ વરસાવ સાથે લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે. ભાવનગરના તાલુકાઓ સુધીતો વરસાદે હસ્તક દિધી પરંતુ  શહેર પર નામ માત્રનું પણ હેત વરસાવ્યું ન હોવાના કારણે શહેરીજનોની આશા પર પાણી ફરિવળ્યું છે.  ભાવનગર જિલ્લાના જેસર, પાલિતાણા, સોનગઢ, સિહોર, ટાણા, તળાજા સાગરકાંઠા સહિતના પંથકમાં આજે સવારે અસહ્ય બફારા બાદ તીવ્ર ગતિએ ઠંડો પવન ફુંકાયો હતો. સાથે થોડા સમય માટે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. અને જોતજોતામાં રોડ પર વરસાદી પાણી ફરિવળ્યા હતાં. પ્રથમ વરસાદ થતાની સાથે રાબેતા મુજબ ગ્રામ્ય પંથકમાં વિજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. તો બીજીતરફ પ્રથમ વરસાદમાં ભીંજાવા આબાલ વૃધ્ધ સૌ કોઈ શેરીઓમાં નિકળી પડ્યા હતાં.  ભાવનગરના પાડોશી જિલ્લા બોટાદ પંથકના સેંથળી, સાળંગપુર, લાઠી, રાણપુર, ખાખોઈ સહિતના પંથક સતત બીજા દિવસે પણ વરસાદે હેત વરસાવ્યું હતું. આજે આ પંથકમાં અડધાથી દોઢ ઈંચ જેવી મેઘમહેશ વરસતા લોકોને રાહત થવા પામી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક દરમ્યાન સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હળવા ભારે વરસાદની શકયતાઓ બળવત્તર બની રહેશે કારણ કે અરબ સાગર પરથી મોટા પ્રમાણમાં વરસાદી વાદળો સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત તરફ તથા સાગર કાંઠા તરફ આગળ ગતિ કરી રહ્યા છે.

Previous articleભીમ અગીયારસનો જુગાર રમતાં ૬૦ ઝડપાયા
Next articleએચસીજી હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા દર્દીઓને કરાતી કનડગત