દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો દીઠ રૂ.૫૦ ની સહાય અપાશે : નીતિનભાઈ પટેલ

1268

રાજ્યના ખેડૂતો-પશુપાલકોના હિતને વરેલી રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર) ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂ.૨૫૦૦ કરોડની કિંમતનો ૧,૧૦,૦૦૦ મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી રોકાઇ ગઇ છે અને તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે. અને આનું સીધુ નુકશાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવુ પડે તેમ છે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી તેને ધ્યાને લઇ ગુજરાત દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડ, એમ.ડી. શ્રી આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેનશ્રીઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજુઆત કરી હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.૦૧.૦૭.૨૦૧૮ થી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો ૫૦ રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે.  અને રૂ.૩૦૦ કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે જેના કારણે લગભગ ૬૦ હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે અને દૂધ સંઘોની આવક વધશે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, મહારાષ્ટ્ર, પંજાબ, યુ.પી. સહિત અન્ય રાજ્યો કરતાં ગુજરાતના પશુપાલકોને દૂધના પ્રતિ લિટર ૮ થી ૧૦ રૂપિયા વધુ ભાવ મળે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદિ પ્રવર્તતા રાજ્ય સરકારની આ સમયસર મદદ મળતાં દૂધના ભાવો ઘટાડવા નહી પડે જેનો સીધો લાભ ૩૬ લાખ પશુપાલક પરિવારોને થશે. રાજ્યના સહકારી સંઘો પાસે ઉપલબ્ધ વધારાના સ્કીમ મિલ્ક પાવડરના જથ્થામાંથી ૬૦ હજાર મેટ્રીક ટન પાવડર પર કિલોદીઠ રૂ.૫૦ની સહાય ૬ માસના સમયગાળા માટે અપાશે. આ સહાય રૂ.૩૦૦ કરોડની મર્યાદામાં આપવામાં આવશે.

Previous articleઆજે જળયાત્રા : પ્રભુ મોસાળ જશે, ભારે ઉત્સાહ
Next articleયુનિવર્સિટીની તમામ પરીક્ષાનો સમય અઢી કલાક થાય તેવી શક્યતા