મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુપોષણ નિયંત્રણની ‘પૂર્ણા’ યોજના લોન્ચીગ કરી

1105

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યવ્યાપી પોષણ અભિયાન એ રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી સમાન ડેમોગ્રાફીક ડીવીડન્ડની સક્ષમતાનું આગવું કદમ બનવાનું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ ડેમોગ્રાફીક ડિવીડન્ડ વિકાસમાં એસેટ બને તેવી નેમ પોષણ અભિયાનને જનઆંદોલન બનાવીને પાર પાડવી છે. મુખ્યમંત્રીએ મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પોષણ અભિયાનનો મહાત્મા મંદિરથી રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો તેમજ રાજ્યસ્તરીય અભિમુખતા કાર્યશાળાનું ઉદઘાટન કર્યુ હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે કોઇપણ રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં નાગરિકો-પ્રજાજનોની ફિટનેસ-તંદુરસ્તીને મહત્વનું પરિબળ છે.

તેમણે પોષણ અભિયાનના વ્યાપક લાભ રાજ્યના અંતરિયાળ-દૂર દરાજના વિસ્તારો સહિત ખૂણે-ખૂણે પહોચાડી ભવિષ્યની માતા-દિકરીઓ અને બાળકોની તંદુરસ્તી-સુખાકારી માટેની અભિનવ પહેલ ‘પૂર્ણા’ યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રીશનલ એનિમીયાએ અમોંગ એડોલસન્ટ ‘ગર્લ્સ’નો પ્રારંભ પણ કરાવ્યો હતો. આ યોજના તહેત રાજ્ય સરકારે ર૭૦ કરોડ રૂપિયા કિશોરીઓ- દિકરીઓમાં કુપોષણ-એનિમિયા નિયંત્રણ માટે ફાળવ્યા છે.  વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની ધરા ખમીરવંતી અને ખડતલ છે ત્યારે આ ધરતીનું પ્રત્યેક બાળક અને આવનારી પેઢી પોષણક્ષમ-સજ્જ રહે એની ચિંતા અને જવાબદારી માત્ર સરકાર જ નહિ, સમાજ સમસ્ત અને જન-જન એ ઉપાડીને આ પોષણ અભિયાનને સફળ બનાવે તે સમયની માંગ છે.  તેમણે રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા રાજ્ય સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે તેની ભૂમિકા આપતાં આંગણવાડીઓમાં પોષણયુકત આહાર આપી આંગણવાડીઓને નંદઘર તરીકે પ્રસ્થાપિત કરી રાજ્યની આવનારી પેઢીને કૃષ્ણ-કનૈયા જેવી પોષણ સજ્જ બનાવવાની નેમ રાખી છે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના જે ૬.૭ જિલ્લાઓ પોષણ ક્ષમતામાં હજુ પાછળ છે તેના પર વિશેષ ફોકસ કરીને બાળક, સગર્ભા ધાત્રી માતા, કિશોરીઓની તંદુરસ્તી પોષણ સજ્જતા માટે આ પોષણ અભિયાન ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.  રાજ્યના દાહોદ-નર્મદા બે જિલ્લા કેન્દ્ર સરકારે જાહેર કરેલા દેશના ૧૧૭ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટમાં ૧૭,૧૮માં ક્રમે હતા તેમાંથી દાહોદપ્રથમ ક્રમે આવ્યું છે તેની સરાહના તેમણે કરી હતી.  તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૮મી માર્ચે રાજસ્થાનના ઝૂંઝૂનથી રાષ્ટ્રવ્યાપી પોષણ મિશનનો આરંભ કરાવી દેશની આ બેઝિક સમસ્યા પર વિશેષ ઝોક આપ્યો તે તેમની તંદુરસ્ત ભારતની સંકલ્પબધ્ધતા છે એમ પણ કેન્દ્ર સરકારની જનધનથી ઉજ્જવલા સુધીની જનકલ્યાણ યોજનાઓની સફળતા વર્ણવતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ બાળકના જન્મથી ૧૦૦૦ દિવસમાં પોષણયુકત આહાર આપીને લાંબાગાળાની તંદુરસ્ત જીવનની બૂનિયાદ ઊભી કરવાની અનિવાર્યતા સમજાવી હતી. તેમણે બેટી બચાવો-બેટી પઢાવો, ભૃણ હત્યા પ્રતિબંધ, દિકરો-દિકરી એક સમાન એવા અનેક અભિયાનથી વિમેન એમ્પાવરમેન્ટ દ્વારા પોષણ સજ્જ પેઢી નિર્માણની યોજનાઓની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ બાયસેગ-સેટેલાઇટ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયેલી રાજ્યભરની આંગણવાડી કાર્યકર બહેનોને આ તકે પ્રેરક આહવાન કરતાં કહ્યું કે રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે આ પોષણ અભિયાનને ઝૂંબેશ તરીકે ઉપાડી લઇએ.

Previous articleપાલીતાણાના મોખડકા પાસેના પુલ પરથી ઈકો ગાડી નીચે પટકાઈ
Next articleગુજરાતમાં ૧૦૮થી વધુ તાલુકામાં વરસાદ : સુરતમાં ધોધમાર ૬ ઈંચ