દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી અકબંધ

1618

ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાનો દોર છેલ્લા ૨૪ કલાકમાં જારી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ નોંધપાત્ર વરસાદ પણ થયો છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. દક્ષિણી પાકિસ્તાન ઉપર સર્જાયેલા અપએર સાયક્લોનિક સરક્યુલેશનના લીધે તેની અસર પણ જોવા મળી રહી છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે પરંતુ વરસાદ થઇ રહ્યો નથી.  અત્રે ઉલ્લેખનિય છે કે ગયા શુક્રવારના દિવસે બનાસકાંઠા-સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા, જયાં ઇડરમાં માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

ભારે વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા છલકાઇ ગયા હતા. તો, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા શામળાજી સહિતના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના ગોંડલમાં ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાતા સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, ગોમટા, લીલાખા સહિતના પંથકોમાં એકથી ત્રણ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં ઇડરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જયાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.ગયા શુક્રવાર બાદથી કોઇ એક દિવસમાં ઉલ્લેખનીય વરસાદ થયો નથી. બીજી બાજુ ભારે ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૨ ડિગ્રી રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આંકડા ચોક્કસપણે ઓછા છે પરંતુ કેસો ઉપર નિયંત્રણ આવી રહ્યું નથી. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિાયન ઝાડા ઉલ્ટીના ૨૬૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૨૮ અને ટાઇફોઇડના ૧૨૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૨ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જુલાઈ મહિના દરમિયાન સાદા મેલેરિયાના ૧૧૯૪ કેસ નોંધાયા હતા.

Previous articleસાગરખેડૂઓને વેકેશન
Next articleરૂપાણીના રાજકોટમાં ૮૮ કરોડના ખર્ચે બનશે ગુજરાતનો સૌપ્રથમ ૬ લેન બ્રિજ