જિલ્લાના ૧૭ જેટલા ગામોમાં વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે

1205

ગાંધીનગર જિલ્લાના ૧૭ જેટલા ગામોમાં આ વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે જેમાં નાગરિકો બિમાર ન પડે તે માટેની વિવિધ સેવાઓ આપવામાં આવશે. અહીં યોગના નિયમીત ક્લાસ શરૃ કરવામાં આવશે જ્યારે પ્રસુતાથી લઇને વયસ્કો સુધી તમામને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી મહત્વાકાંક્ષી યોજના માની એક આયુષ્યમાન ભારત યોજના ગણવામાં આવે છે. જે અંતર્ગત આરોગ્યની સેવાઓ ક્ષેત્રે ક્રાંતિ આવશે તેમ નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૦-૨૨ સુધી ૧.૫૦ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં બદલવામાં આવનાર છે. ચાલુ વર્ષમાં રાજ્યમાં ૧૮ હજારથી વધુ વેલનેસ સેન્ટર બનાવવામાં આવનાર છે. જે માટે અલગથી બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતમાં કુલ ૧૧૮૫ વેલનેસ સેન્ટર બનાવવામાં આવનાર છે. જેમાંથી ગાંધીનગર જિલ્લામાં ૧૭ વેલનેસ સેન્ટર બનશે. આ અંગે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લાના ઉનાવા, મોખાસણ, રાંચરડા, પુન્દ્રા, બીલોદરા, સાંપા, બહિયલ, કલોલ અર્બન, પીપળજ, આલંપુર, લોદ્રા, દેલવાડા, પ્રાંતિયા, પાલજ ઉપરાંત ગાંધીનગર શહેરના સેક્ટર-૨, ૨૯ અને સે-૨૪ના આરોગ્ય કેન્દ્ર તથા પેટાઆરોગ્ય કેન્દ્રને વેલનેસ સેન્ટરમાં ફેરવવામાં આવશે. જે માટે આગામી દિવસોમાં ખાસ બજેટ પણ ફાળવવામાં આવશે. વેલનેસ સેન્ટરમાં નાના-મોટી બિમારીઓનું નિદાન અને સારવાર જ નહીં પરંતુ અહીંથી મફત દવાઓ પણ દર્દીઓને આપવામાં આવશે. અહીં બાર પ્રકારની સ્વાસ્થ્ય સુવિધાઓ હશે. સારવારની સાથે સાથે તપાસ પણ કરાશે. સિવિલ હોસ્પિટલમાં જે દવાઓ હશે તે દવાઓ દર્દીને વેલનેસ સેન્ટરમાં નિઃશુલ્ક આપવામાં આવશે. અહીં કેન્સર તેમજ તબક્કાવાર તમામ પ્રકારના રોગ અને બિમારીઓની સારવાર તેમજ દવાઓ અહીંથી મળી રહે તેવી વ્યવસ્થા  ગોઠવવામાં આવશે.

Previous articleવાહનો અને ટેબલ પર ફરી એકવાર રોડસાઈડ દબાણ પુનઃ શરૂ
Next articleવાયબ્રન્ટની તૈયારીઓ પુરજોશમાં  સ્વર્ણિમ પાર્કનું કામ શરૂ કરાયુ