અમદાવાદ-વડોદરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો શરૂ થશે

1512

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ મનાતા બુલેટ ટ્રેનને પ્રથમ વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવવાની સરકારની નેમ છે. આગામી ૨૦૨૨માં દેશનો ૭૫મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય તે પહેલાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો પ્રોજેકટ પુરો કરવા નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડના સતાધીશોને આ સૂચના અપાઇ છે. આશરે ૧૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થનાર આ પ્રોજેકટનો મોટાભાગનો હિસ્સો એલીવેટેડ હશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે બનનાર ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે હાલ જમીન સંપાદનનું કામ ચાલું છે અને આ વર્ષના અંત સુધી જમીન સંપાદનનું કામ પુરું થઈ જશે. એનએચઆરસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૨૨માં ભારત દેશને સ્વતંત્ર થયે ૭૫ વર્ષ પુરા થવાના છે અને તેની ભવ્ય ઉજવણી દેશમાં થનાર છે. આ ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે વડાપ્રધાને ૭૫માં વર્ષની ઉજવણી પૂર્વે અમદાવાદ અને વડોદરા વચ્ચેનો પ્રારંભિક પ્રોજેકટ પૂર્ણ કરવા સૂચના આપી છે.

જેના આધારે હાઈસ્પીડ કોર્પોરેશન આ બાબતે તડામાર તૈયારીમાં લાગી ગયું છે. અમદાવાદ અને વડોદરા વચ્ચેના પ્રારંભિક પ્રોજેકટમાં વડોદરા-આણંદ વચ્ચેના પ્રોજેકટની કામગીરી પ્રથમ કરવા અમારી નેમ છે.

અમદાવાદ અને વડોદરા વચ્ચે જમીન સંપાદન કરવાની સમસ્યા થોડીક ઓછી છે, કારણકે અમદાવાદ અને વડોદરા વચ્ચેના બ્રોડગેજ રેલવે ટ્રેકની બંને બાજુ રેલવે તંત્ર પાસે ઘણી જમીન છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે આશરે ૧૪૦૦ હેકટર જમીનની જરૂર છે આ પૈકી ૮૫૦ હેકટર જમીન ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં આવેલી છે .જો કે આ પૈકી માત્ર ૦.૯ હેકટર જમીન જ સંપાદન થઈ છે. ગુજરાત સરકાર પણ જમીન સંપાદનમાં મદદ કરશે. આ વર્ષના અંત સુધીમાં સંપાદનનો નિવોડો લાવી દેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Previous articleમગફળી કૌભાંડ : નાફેડ ચેરમેન વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામું
Next articleમેઘરાજાનો બીજો રાઉન્ડ, રાજકોટમાં ધોધમાર ઝાપટાથી રસ્તા થયા પાણી પાણી