રખડતાં ઢોરોને પકડવા મનપા દ્વારા બંદોબસ્ત માટે એસઆરપીની એક ટુકડીની માગણી કરાશે

1173

ગાંધીનગરમાં રખડતાં ઢોરોને પકડવામાં વારંવાર ઢોર પક્કડ પાર્ટી અને પશુમાલિકો વચ્ચે ઘર્ષણ સર્જાતા રહે છે. આ સ્થિતિમાં ડીજીપી કક્ષાએથી એસઆરપી કંપનીની એક ટુકડીની બંદોબસ્ત માટે માંગણી કરવામાં આવશે. કોર્પોેરશન દ્વારા આ માટે સૌ પ્રથમ લેખિત માંગણી કરવી પડશે તે સાથે જ સરકાર કક્ષાએથી આ કાર્યવાહીને આખરી અંજામ આપવામાં આવશે.

ચોમાસા દરમિયાન રખડતાં ઢોરોનું અતિક્રમણ શહેરના જાહેર માર્ગો પર ખુબ વધી જાય છે. અત્યારે કોર્પોરેશન દ્વારા બે સિફ્‌ટમાં ઢોર પકડવાની કામગીરી કરાવવામાં આવી રહી છે. છતાં ધાર્યું પરિણામ મળતું નથી. શહેરના અતિ વ્યસ્ત માર્ગો પર ઢોરોના અડીંગા હોય છે. અંતરિયાળ સેક્ટરોમાં પણ સ્થિતી અતિ ગંભીર છે. આ બાબતે તાજેતરમાં વિભાગીય બેઠકમાં ચર્ચા થઈ હતી જેમાં કમિશનર દ્વારા ઢોરો પકડવામાં પડતી મુશ્કેલીના કારણે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડાએ પણ પાંચ જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ફાળવી આપવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં પોલીસ તંત્ર સ્વાતંત્ર્ય પર્વની માર્ચ પાસ્ટમાં વ્યસ્ત હતા તે સમયે સે-૨૬ની જીઆઈડીસીમાં પશુમાલિકો ઢોર પક્કડ પાર્ટીના કબજામાંથી પકડેલા ઢોરો છોડાવીને ભાગી ગયા હોવાની ઘટના સામે આવી હતી. પાટનગરમાં પોલીસને વારંવાર બંદોબસ્તની જવાબદારી આવી જતી હોય છે. આ પરિસ્થિતીમાં એસઆરપી કંપનીની એક ટુકડીની જ માંગણી કરી લેવામાં આવે તો પ્રશ્નનો કાયમી હલ આવી શકે.

જિલ્લા કલેકટર એસ.કે.લાંગા દ્વારા કોર્પોેરશનને લેખિતમાં માંગણી કરવા માટે સુચના આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા લેખિત માંગણી કરવામાં આવશે તે સાથે જ એસઆરપી કંપનીની એક ટુકડીની માંગણી કરી લેવામાં આવશે. આ એસઆરપી કંપનની ટુકડી હંમેશા ઢોર પક્કડ પાર્ટી સાથે રહેશે. જેને લઈને પશુમાલિકો દાદાગીરી કરી નહી શકે. કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવાની કોશિશ કરનારાઓની સામે તુરત જ કાયદેસરની કાર્યવાહી કરવા સુધીનો નિર્ણય કરવામાં આવશે.

ગાંધીનગર એ રાજ્યનું પાટનગર છે. આથી અહીં દેશ-વિદેશથી પ્રતિનિધિ મંડળો સરકારની મુલાકાતે આવતા રહે છે. વધુમાં વાયબ્રન્ટ સમિટી સહિતના સેમિનારો પણ મહાત્મા મંદિરમાં યોજાતા રહે છે. રાજ્યની રાજધાની હોવાની રીતે પણ અહીં સ્વચ્છતા જળવાય તે જરૂરી છે. રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ જ્યાં ત્યાં ઢોરોના ટોળાં જાહેરમાં ફરતા રહે તે સહેજપણ ચલાવી નહી લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે પાટનગરમાં ઢોરો રાખવા પર જ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ અંગેનુ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરમાં ઢોરો દ્વારા કરાતી ગંદકીના કિસ્સામાં દંડનીય કાર્યવાહીની પણ જોગવાઈ છે. પરંતુ આ જાહેરનામું માત્ર ફાઈલમાં ધરબાઈને રહી ગયું છે. જેના કારણે શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યાનો હલ થઈ શકતો નથી. બહારથી સ્થળાંતર કરીને આવેલા પશુમાલિકો સરકારની જ ખુલ્લી જગ્યાઓ પર ગેરકાયદે ધામા નાંખી દે છે. ભુતકાળમાં ૪૦ જેટલા પશુમાલિકોને માલઢોર સાથે ગાંધીનગરમાંથી તડીપાર તત્કાલીન એસડીએમ બી.કે.પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ તે પછી આવી ઐતિહાસિક કાર્યવાહી ક્યારેય વહીવટી તંત્ર દ્વારા થઈ નથી. જેના કારણે ગાંધીનગરમાં પાટનગનરી ગરીમા જળવાતી નથી. પશુમાલિકો બિન્દાસ્ત લીલો ઘાસચારો ચરાવવા માટે પોતાના માલઢોરોને ખુલ્લા મુકી દેતા ખચકાતા નથી.

Previous articleજિલ્લામાં છ લાખ વૃક્ષોના ટાર્ગેટ સામે ૬૦ હજાર વવાયા
Next articleઅલ્ટ્રાટેકના વાઈસ પ્રેસીડેન્ટની પુત્રીનું નિધન : શોકસભા યોજાઈ