પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સહિત ૨૧ કેબિનેટ મંત્રીમંડળની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૦૮માં મુંબઈ આતંકવાદી હુમલા દરમ્યાન પણ કુરેશી વિદેશ મંત્રી હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે, નક્કી કરવામાં આવેલા ૨૧ નામોમાંથી ૧૬ મંત્રી હશે, જ્યારે પાંચ અન્ય પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે પોતાની ડ્યૂટી કરશે. તેમણે જણાવ્યું કે, નવું મંત્રીમંડળ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લે તેવી સંભાવના છે. બીજી બાજુ સપ્ટેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પીટીઆઈએ આરિફ અલ્વીને ઉમેદવાર બનાવ્યાં છે.
ચૌધરી દ્વારા ટ્વીટર પર આપવામાં આવેલા લીસ્ટ અનુસાર, કુરેશીને વિદેશ મંત્રી, પરવેજ ખટ્ટકને રક્ષા મંત્રી અને અસદ ઉમેરને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. રાવલપિંડીના શેખ રાશિદને રેલવે મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ મહિલા શિરીન માજરી, જુબેદા જલાલ અને ફહમિદા મિર્ઝાને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. મંત્રીનું પદ રાખનારા પાંચ સલાહકારોમાં પૂર્વ બેંકર ઈશરત હુસેન, કારોબારી અબ્દુલ રજ્જાક દાઉદ અને બાબર આવાન જેવા પ્રતિષ્ઠિત ચહેરા સામેલ છે.
તમને જણાવી દઈએ કે, શિરીન માજરીએ વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ ખતમ થયા બાદ એક લેખમાં પાકિસ્તાનને સલાહ આપી હતી કે, તે ભારત પર પરમાણુ હુમલો કરી દે.
પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ પાર્ટીએ ૨૫ જુલાઈના રોજ થયેલી ચૂંટણીમાં સૌથી વધારે બેઠક જીતી હતી. ઈમરાને પોતાના પ્રતિદ્વંદી પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાજ(પીએમએલ-એન)ના ઉમેદવાર શાહબાજ શરીફને હરાવી પ્રધાનમંત્રીની ખુર્શી સંભાળી છે.



















