શહેરને સ્વચ્છ બનાવવા મહાપાલિકાની નેમ

1328

ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનને આગામી ર ઓક્ટોબરના રોજ પ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોય જે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ વર્ષ સાથોસાથ સ્વચ્છ ભારત વર્ષ તરીકે મનાવવામાં આવશે.

ભારત સરકાર દ્વારા ર ઓક્ટોબર ર૦૧૪ના રોજ દેશવ્યાપી સ્વચ્છ ભારત મહાઅભિયાન છેડવામાં આવ્યું છે. આ અભિયાનને આગામી તા.ર ઓક્ટોબરના રોજ પ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોય ર ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વચ્છતા મહાઅભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ પણ શરૂ કરવામાં આવેલ. જેમાં વર્ષ ર૦૧૭માં ભાવનગર શહેર ૩૩માં ક્રમનું સ્વચ્છ શહેર બની રહેવા પામ્યું છે. દેશભરમાંથી કુલ ૪૩૪ શહેરોએ આ સર્વેમાં ભાગ લીધો હતો. આગામી ર ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ તથા સ્વચ્છ ભારત મિશનને પ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે ભાવનગર શહેરનો સ્વચ્છતા ક્રમ ૧ થી પમાં આવે છે તેવો દ્રઢ નિર્ધાર ભાવનગર મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ર ઓક્ટોબર સુધીમાં શહેરને સ્વચ્છ અને ચોખ્ખુ ચણાક કરવા તંત્ર દ્વારા સૌપ્રથમ જનજાગૃતિ મહાઅભિયાન તથા અલગ-અલગ તબક્કા દ્વારા ઘનિષ્ઠ સાફસફાઈ હાથ ધરવામાં આવશે. તંત્રના જણાવ્યા અનુસાર ૯૦૦થી વધુ સફાઈ કામદારો તેમજ અદ્યતન સાધનો દ્વારા શહેરના જાહેર વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા અકબંધ જાળવી રાખવા માટે તંત્ર કાયદાનો પણ સહારો લેશે અને જરૂર જણાયે કડક પગલાની જોગવાઈ પણ કરશે તેવું અધિકારીગણ દ્વારા જણાવ્યું હતું.

સોશ્યલ મિડીયાની મદદ લેશે તંત્ર

આજકાલ મોટાભાગના લોકો સોશ્યલ મિડીયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ સોશ્યલ મિડીયા થકી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા આવે તે હેતુસર ભાવનગર મહાપાલિકા દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવશે જે એન્ડ્રોઈડ મોબાઈલમાં ઈન્સ્ટોલ કર્યા બાદ સાફસફાઈ અંગે જાગૃતિ તથા જાહેર સ્વચ્છતાને લગતા પ્રશ્નોનું સ્થળ પર તત્કાલ નિરાકરણ આવે તેવી ગોઠવણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.