મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્વર્ણિમ સંકુલમાં ઢોર ઘુસી જાય છે

1287

ગાંધીનગરની ઓળખ સમાન અને ગુજરાતના એકમાત્ર સૌથી મોટા ગાર્ડનમાં જેની ગણના થાય છે તેવા સ્વર્ણિમ પાર્કમાં પશુઓ દ્વારા ભેલાણ થઇ રહ્યુ છે. પાર્કમાં કરોડો રૂપિયાના ખર્ચે ફુલછોડ અને લોન ઉગાડવામાં આવી છે. આ લોન અને ફુલછોડનું પાર્કમાં ઘુસાડવામાં આવતા પશુઓ દ્વારા નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. આ સઘળુ સિક્યુરીટી સ્ટાફની ઉપસ્થિતીમાં થઇ રહ્યુ છે. સ્વર્ણિમ પાર્કની દેખરેખ માટે સરકાર દર વર્ષે સિક્યુરીટી સ્ટાફ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ રાત્રીના સમયે પાર્કમાં ઘુસી આવતા પશુઓને કાઢવામાં આ સિક્યુરીટી સ્ટાફની આળસ શંકા પ્રેરે છે. નજરે જોનાર લોકોના જણાવ્યા પ્રમાણે મોડીરાતે પશુઓ માટે પાર્કના દરવાજા ખોલી નાખવામાં આવે છે. સમગ્ર રાત પાર્કમાં પશુઓ ચરે છે અને ત્યારબાદ વહેલી સવારે તેને બહાર કાઢી લેવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે.

આજે વહેલી સવારે છ કલાક આસપાસ સ્વર્ણિમ પાર્કમાં પાંચ જેટલી ભેંસો આરામથી ચરી રહી હતી. સ્વર્ણિમ પાર્કમાં વહેલી સવારે જોગીંગ માટે આવતા લોકોની  નજર આ પશુઓ પર પડતા તેઓ ચોંકી ઉઠયા હતા. ભેંસો આરામથી લોનમાં ચરી રહી હતી. બીજીતરફ એક ગાય વોક-વે ની આસપાસ ઉગાડવામાં આવેલા ફુલછોડને નુકશાન કરી રહી હતી. જે જગ્યાએ ભેંસો ચરી રહી હતી તેની સામે જ સિક્યુરીટીની ઓફિસ આવેલી છે. અહિ ચોવીસ કલાક સિક્યુરીટીની વ્યવસ્થા છે. પરંતુ ઉપસ્થિત સ્ટાફ દ્વારા ભેંસો પ્રત્યે કુણી લાગણી હોય તેમ તેઓ નજર અંદાજ કરી રહ્યા હતા. સાડા છ કલાક આસપાસ પાર્કમાં ચરતા પશુઓ ત્યારબાદ જિલ્લા પંચાયત તરફ ખુલતા ગેટ પરથી બહાર નીકળી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા ઘણા સમયથી સ્વર્ણિમ પાર્કમાં પશુઓ ભેલાણ કરી રહ્યા છે. પાર્કમાં જે પશુઓ ભેલાણ કરી રહ્યા હતા તેઓના કાને પીળા કલરની ટેગ પણ મારેલી હતી. એટલેકે, આ પશુઓ રખડતા પશુઓ નહતા. પરંતુ દુધાળા પશુઓ હતા. જેઓને રાત્રીના સમયે સેટિંગ કરીને પાર્કમાં ઘુસાડવામાં આવ્યા હતા. રાત્રીના સમયે ઘુસેલા આ પશુઓના સમગ્ર પાર્કમાં ઠેરઠેર પોદળા જોવા મળી રહ્યા હતા. જેના કારણે સવારે કસરત કરવા આવતા નાગરિકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો હતો. મહામુલી લોનને પણ આ પશુઓના ભેલાણથી નુકશાન થઇ રહ્યુ છે.

સ્વર્ણિમ પાર્કમાં જ્યાં સુધી દરવાજા ખુલ્લા મુકવામાં ન આવે ત્યાં સુધી પશુઓ ઘુસી શકે તેવી કોઇ જ શક્યતા નથી. આ પશુઓ સિક્યુરીટી સ્ટાફની હાજરીમાં પાર્કમાં ઘુસી રહ્યા છે. જે શંકા પ્રેરે છે. પશુપાલકો અને સિક્યુરીટી સ્ટાફની મીલીભગત સિવાય પશુઓ સ્વર્ણિમ પાર્કમાં ઘુસે તે શક્ય નથી. ક્યાં કારણોસર સિક્યુરીટી સ્ટાફ આ મામલે આંખ આડા કાન કરી રહ્યા છે તે પણ શંકા પ્રેરે છે. આ પ્રકારની ગંભીર બેદરકારી અથવા જાણી જોઇને કરવામાં આવતા આંખ આડા કાનના કારણે સ્વર્ણિમ પાર્કની સુંદરતા હણાઇ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવલુ સ્વર્ણિમ પાર્ક માત્ર ફરવાનું સ્થળ નથી પરંતુ ગાંધીનગરની ઓળખ પણ છે. આ ઓળખ જળવાઇ રહે તે તમામ શહેરીજનોની ફરજ છે.

 

Previous articleમહિલાઓની શૂટિંગમાં સર્નોબતે ગોલ્ડ મેડલ જીત્યો
Next articleસ્વચ્છ ગાંધીનગરની કચરાપેટીઓ ઉઠાવવામાં તંત્રની આળસ : સ્વચ્છતામાં સ્ટાફ પણ ઓછો