સે-૨૪માં દબાણકર્તાઓને અલ્ટિમેટમ લોકો જાતે દબાણ ખસેડવા લાગ્યા

953

ગાંધીનગરમાં દબાણ હટાવ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધી નવા સેક્ટરોમાં દબાણો દુર કરવામાં આવ્યા બાદ હવે આગામી દિવસોમાં સેક્ટર-૨૪ ખાતે આવેલા દબાણો પર તંત્ર ત્રાટકશે. આ માટે દબાણકર્તાઓને દબાણો દુર કરવાનું મૌખિક સુચના આપી દેવામાં આવી છે. સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં કોમર્શિયલ અને રહેણાંક મળી કુલ ૧૨૦૦ જેટલા દબાણો છે. જે દુર કરવા માટે આગામી દિવસોમાં મેગા અભિયાન હાથધરવામાં આવશે.

હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદની સાથેસાથે ગાંધીનગરમાં પણ દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સેક્ટર-૧૧ સહિતના વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામો પર તંત્ર દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં જુના સેક્ટરોમાં ગણતરી થતા સેક્ટર-૨૪માં દબાણો પર તંત્ર ત્રાટકશે. આ વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટી, હરસિધ્ધીનગર સોસાયટી ઉપરાંત આસપાસના રહેણાંક અને રોડ પર આવેલા કોમર્શિયલ વિસ્તારોમાં દબાણો દુર કરવાનું તંત્ર દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ,તાજેતરમાં જ આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન કોમર્શિયલ અને રહેણાંક મકાનોમાં મોટાપાયે દબાણો જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારમાં રહેણાંક મકાનોને તોડીને તેમાં કોમર્શિયલ દુકાનો ઉભી કરી દેવામાં આવી હોવાનું પણ તંત્રના ધ્યાનમા આવ્યુ છે. આ ઉપરાંત કેટલીક દુકાનોમાં પણ ગેરરકાયદે બાંધકામ કરવામાં આવ્યુ હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યુ છે. જ્યારે રહેણાંક મકાનોમાં પણ ગેરકાયદે બાંધકામ છે. આ વિસ્તારમાં અગાઉ પણ વ્યાપક દબાણોની ફરિયાદો ઉઠી હતી. પરંતુ હાઇકોર્ટે આદેશ આપ્યો નહતો ત્યાં સુધી સરકારી તંત્રનું આ મામલે દબાણકર્તાઓ પર મીઠી નજર હતી. પરંતુ કોર્ટના આદેશ બાદ આ મીઠી નજર ઉઠાવી લેવાની તંત્રને ફરજ પડી છે અને ઉપરોક્ત વિસ્તારમાં દબાણકર્તાઓને તંત્ર દ્વારા સોમવાર સુધીમાં દબાણો દુર કરી દેવાની મૌખિક સુચના આપી દેવામાં આવી છે.  જેની વ્યાપક અસર પણ પડી છે. કેટલાક દુકાનદારો દ્વારા સ્વૈચ્છાએ જ દુકાનોના દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. બીજીતરફ સોમવાર સુધીમાં દબાણો દુર કરવામાં નહી આવે તો તંત્ર દ્વારા આ દબાણો દુર કરવા માટે મેગા ઓપરેશન હાથધરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે ઉપરોક્ત વિસ્તારમાં કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં કુલ ૧૨૦૦ જેટલા દબાણો છે. જેના પર ટુંક સમયમાં જ તંત્રનું બુલડોઝર ફરી વળશે.