વોટ્‌સએપની પેમેન્ટ સર્વિસ ઉપર બ્રેક મુકવા માટે અરજી

930

મેસેજિંગ એપ વોટ્‌સએપની પેમેન્ટ સર્વિસ ઉપર પ્રતિબંધ મુકવાને લઇને દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી ઉપર સુપ્રીમ કોર્ટે આજે વોટ્‌સએપ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને ચાર સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ કર્યો હતો.

જસ્ટિસ આરએફ નરિમન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના નેતૃત્વવાળી બેંચે આજે સેન્ટર ફોર એકાઉન્ટબિલીટી એન્ડ સિસ્ટેમેટિક ચેન્જ નામની સંસ્થાની અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કર્યો હતો. અરજીમાં કેન્દ્ર સરકારને એવા નિર્દેશ આપવા માટે અપીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી વોટ્‌સએપ રિઝર્વ બેંકના તમામ નિયમોને પૂર્ણરીતે ન પાળે ત્યાં સુધી તેની પેમેન્ટ સર્વિસને રોકી દેવી જોઇએ.

અત્રે નોંધનીય છે કે, આ અરજી સેન્ટર ફોર એકાઉન્ટબિલીટી એન્ડ સિસ્ટેમેટિક ચેન્જ દ્વારા દાખલ કરવામાં આવી હતી. સંગઠને દલીલ કરી હતી કે, આ મેસેન્જર કંપની ભારતમાં કેટલીક કાયદાકીય જોગવાઈને પરિપૂર્ણ કરતી નથી. સંગઠન દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, બેંક ખાતા ખોલવા માટે ગ્રાહકોને કેવાયસી નિયમો સાથે રિઝર્વ બેંકની કેટલીક જોગવાઈઓને પાળવી પડે છે પરંતુ વોટ્‌સએપ એક વિદેશી કંપની છે. ભારતમાં તેના કોઇ સર્વર નથી. કોઇ પ્રકારની ઓફિસ પણ નથી. આવી સ્થિતિમાં વોટ્‌સએપને ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે અહીં ઓફિસ ખોલવાની જરૂર પડશે. અરજીમાં એવી દલીલ પણ કરવામાં આવી હતી કે, વોટ્‌સએપને એક ફરિયાદી અધિકારીની પણ નિમણૂંક કરવી પડશે. ગ્રાહકો પોતાની તકલીફો રજૂ કરી શકે તે માટે અધિકારીની નિમણૂંક કરવી પડશે. વોટ્‌સએપના ભારતમાં ૨૦ કરોડથી વધારે યુઝર્સ છે. ભારતમાં વોટ્‌સએપ પેમેન્ટ સર્વિસના ૧૦ લાખ લોકો પરીક્ષણ કરી રહ્યા છે.

Previous articleભારત સરકારે એન્ટિગુઆને પત્ર લખ્યો,મેહુલ ચોક્સી અમને સોંપો
Next articleફ્લોરિડામાં જેક્સનવિલમાં ભીડ પર ગોળીબાર કરાયો