હાર્દિક પટેલે ફરીવાર જળત્યાગ કર્યો

711

પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત એકબાજુ વધુને વધુ લથડી રહી છે. હાર્દિક પટેલના આમરણ ઉપવાસમાં આજે ૧૩માં દિવસે પણ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર જારી રહ્યો હતો. બીજી બાજુ વાટાઘાટો માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યા બાદ ૨૪ કલાકની મહેતલ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કર્યો હતો. આ સંદર્ભમાં હાર્દિક પટેલના તરફથી અને પાસના નેતા મનોજ પનારાએ વાત કરી હતી. મનોજે કહ્યું હતું કે સરકારને આ મામલામાં ગંભીરતા દેખાઈ રહી નથી. વાતચીત માટે સરકાર ઉત્સુક નથી. સરકાર ઉપર પ્રહાર કરતા પનારાએ કહ્યું હતું કે જો ઉત્તરપ્રદેશમાં દેવા માફી થઈ શકતી હોય તો ગુજરાતમાં કેમ ન થઈ શકે. મનોજે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં આવશે નહીં ત્યાં સુધી અમે મક્કમતા સાથે આગળ વધીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું અમે ખૂબ સન્માન કરીએ છીએ અને જો તેઓ મધ્યસ્થી બનીને રજુઆત કરશે તો અમને કોઈ વાંધો નથી. પાસના કન્વીનર હાર્દિક પટેલના આમરણ ઉપવાસના આજે તેરમા દિવસે તેની તબિયત વધુ લથડી હતી.

હાર્દિક ભારે અશકિત, ચક્કર, લાચારી સહિતના કથળેલા સ્વાસ્થ્ય વચ્ચે આરોગ્યના જોખમનો સામનો કરી રહ્યો છે. છેલ્લા ૧૩ દિવસના ઉપવાસને લઇ ભારે અશકિતના કારણે હાર્દિક હવે ચાલવા માટે અસમર્થ બન્યો હતો અને તેને આજે સવારથી વ્હીલચેર પર બેસાડી ઉપવાસ છાવણી સુધી લઈ જવાની ફરજ પડી હતી. બીજી તરફ હાર્દિક પટેલે આજ સાંજ સુધીમાં જો સરકાર તેની સાથે સીધી વાતચીત નહીં કરે તો જળત્યાગની ચીમકી આપી હોઇ સમગ્ર પાટીદાર સમાજમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે. સાંજે હાર્દિકની તબિયત વધુ લથડતાં તે આંખો પર રૂમાલ મૂકી સૂઇ ગયેલો જોવા મળતો હતો, તેનામાં વાત કરવા કે આંખો ખુલ્લી રાખી સતત જોયા કરવાની તાકાત પણ ઘટતી જાય છે. સોલા સિવિલના ડોકટરોની ટીમે ફરી એકવાર આજે સાંજે હાર્દિકના મેડિકલ ચેકઅપ કર્યા બાદ ફરી હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી અને એ વાત પરત્વે ચેતવ્યા હતા કે, જો ઉપવાસની પરિસ્થિતિ ચાલુ રહી તો, હાર્દિકના લીવર અને કિડનીને ગંભીર અસર થઇ શકે છે, જે જોખમી બની શકે. દરમિયાનમાં આજે સવારે પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી અને તેના ખબરઅંતર પૂછયા હતા. આજે સવારે પણ સોલા સિવિલની ટીમ દ્વારા હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સવારે દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી ખાતેની બેઠક દરમિયાન તેઓ વડા પ્રધાનનું આ મુદ્દે માર્ગદર્શન મેળવે તેવી ચર્ચાએ જોર પકડયું હતું.  તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા કેન્દ્રીય નેતાઓને પણ મળ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ બપોરે પરત ફર્યા બાદ સાંજે ચાર વાગે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય આગેવાનોને મળશે અને હાર્દિક પટેલ બાબતની રજૂઆત સાંભળી હતી.