જેસર નજીક કાર પલ્ટી ખાઈ જતાં જુનાગઢના સગા ભાઈ-બહેનના મોત

2158

ભાવનગર જિલ્લાના જેસર ગામ નજીક આજે વહેલી સવારે ક્રિએટા કાર પલ્ટી મારી જતા કારમાં સવાર સગા ભાઈ-બહેનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ, જુનાગઢના માણાવદર ગામે રહેતા હરપાલસિંહ ચુડાસમા ઉ.વ.૩૪ અને આશાબા ચુડાસમા તથા ઈન્દ્રજીતસિંહ ક્રિએટા કાર નં.જીજે૧૦ સીજી ૬૭૮ર લઈ સાવરકુંડલાથી કુકડ તરફ જતા હતા ત્યારે વહેલી સવારે જેસર ગામ નજીક કાર પલ્ટી ખાઈ જતા અને રોડ નીચે ઉતરી જતા કારમાં સવાર હરપાલસિંહ અને તેના બહેન આશાબાને ગંભીર ઈજાઓ થતા બન્નેના મોત નિપજવા પામ્યા હતા. જ્યારે ઈન્દ્રજીતસિંહને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા જેસર પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.