ગાંધીનગર સિવિલમાં મેલેરિયાના ૧૭૫, ડેન્ગ્યુના ૨૭ દર્દીઓ નોંધાયાં

1130

સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની હાથતાળી ઓગસ્ટ માસ દરમિયાન રહી હતી. વાતાવરણની આ અસર સીધી માનવ શરીર ઉપર પડી છે. તેમાં પણ વાદળછાયું વાતાવરણ મચ્છરો માટે ફેવરીટ હોવાના કારણે આ દિવસોમાં મચ્છરજન્ય બિમારીઓના દર્દીઓ વધ્યા છે.

ફક્ત સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ માસ દરમિયાન મેલેરિયાના ૧૭૫ જ્યારે ડેન્ગ્યુના ૨૭ દર્દીઓ નોંધાયાં છે. આ ઉપરાંત સામાન્ય તાવના ૧૧૬૦ દર્દીઓને ઓગસ્ટ માસ દરમિયાન સિવિલમાં સારવાર આપવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં સતત વાદળ છવાયેલા રહે છે અને છુટા છવાયાં વરસાદી ઝાપટા પણ પડે છે. ચોમાસાની આ સીઝનને સામાન્ય રીતે બિનઆરોગ્યપ્રદ ઋતુ કહેવામાં આવે છે. ત્યારે આ સીઝનમાં પાણીજન્યની સાથે મચ્છરજન્ય રોગના દર્દીઓ ખાસ જોવા મળે છે.

ગાંધીનગર સિવિલમાં ગત ઓગસ્ટ માસ દરમિયાન આવા તમામ પ્રકારના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. તેમાં ખાસ કરીને મચ્છરજન્ય રોગના દર્દીઓમાં આ દિવસોમાં વધારો થયેલો જોવા મળે છે. ઓગસ્ટ માસના ૩૧ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૭૫ જેટલા મેલેરિયાના દર્દીઓ નોંધાયાં છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના ગામો સહિત અન્ય જિલ્લાના દર્દીઓ પણ ગાંધીનગર સિવિલમાં સારવાર લે છે ત્યારે છુટાછવાયા મેલેરિયાના દર્દીઓને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી છે. આવી જ રીતે ડેન્ગ્યુના પણ આ માસમાં ૨૭ કેસ નોંધાયાં છે. એટલે કે ડેન્ગ્યુના લગભગ દિવસે એક કેસ સામે આવે છે.

મચ્છરજન્યની સાથે સાથે પાણીજન્ય રોગના દર્દીઓ પણ ખાસ જોવા મળે છે. તેમ ટાઇફોડ અને કમળાના મળીને ૧૦૦થી વધુ પણ દર્દીઓને સિવિલમાં આ એક માસ દરમિયાન સારવાર આપવામાં આવી છે. તો આ ઓગસ્ટ માસમાં કુલ ૧૧૬૦ વ્યક્તિઓને તાવની અસર જોવાના કારણે તેમને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત એક માસમાં પાણીજન્ય થતાં ઝાડા ઉલ્ટીના ૮૬૨ કેસ નોંધાયાં છે.

Previous articleગાંધીનગર વિધાનસભા વિસ્તાર ૫ સીટમાં ૧૬, ૭૨૧ મતદારનો ઉમેરો
Next articleમહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આઠમાં એગ્રી એશિયા એકઝીબીશન સેમિનારનો પ્રારંભ