ભારત બંધનું એલાન સદંતર નિષ્ફળ રહ્યું : જાડેજાનો દાવો

1711

પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ ઇલેક્ટ્રોનિક મિડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવો માટે સરકાર સતત ચિંતિત છે. કેન્દ્ર સરકારના મંત્રીઓએ તે અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે અને ચિંતા અનુભવી રહ્યા છે.

રાજકીય રોટલા શેકવા માટે કોંગ્રેસે આપેલા  ભારત બંધનું એલાન સદંતર નિષ્ફળ રહ્યું છે.

જનજીવન, જીવન વ્યવહાર, સરકારી કચેરીઓ, વેપારી સંકુલો, શાળાઓ અને રોજીંદુ જનજીવન હરહંમેશાની જેમ ચાલી રહ્યું છે તે દર્શાવે છે કે, ગુજરાતની શાણી સમજુ પ્રજા કોંગ્રેસની સાથે નથી અને કોંગ્રેસને ટેકો આપવા તૈયાર નથી.

કોંગ્રેસે હિંસાત્મક રુપે તોડફોડ કરી, દેખાવો કરી, માત્રને માત્ર પ્રચાર માધ્યમોમાં રહેવા માટે સાંતિ ડહોળવાનો હિન પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સને પણ અવરોધી છે. કોંગ્રેસે લોકશાહીનો દુરુપયોગ કરીને ખંડનાત્મક રીતે નિરર્થક પ્રયાસો કર્યા છે જેને જનતા વખોડે છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને બંધના એલાન દરમિયાન નિષ્ફળતા સાંપડી છે. જાડેજાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો એ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના આધારે થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટ માંગ અને પુરવઠા, ઉત્પાદનની પરિસ્થિતિ તેમજ વિવિધ દેશોની પરિસ્થિતિ પર આધારિત છે. કેન્દ્ર સરકાર આ જીએસટીના મુદ્દા પર સંવેદનશીલ છે. જીએસટી માટેની જીએસટી  કાઉન્સિલમાં તે એંગેની ચર્ચા થઇ છે અને ઉચિત સમયે તેનો નિર્ણય થશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જે તે સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે નિવેદન આપ્યું હતું કે પૈસા ઝાડ પર નથી ઉગતા, ડીઝલનો ભાવ વધારો જરૂરી છે અને અત્યારે આ કોંગ્રેસના લોકો તે અંગે આંદોલન કરવા નિકળ્યા છે તે વાજબી નથી. ૨૦૧૩માં પેટ્રોલનો ભાવ ૮૩.૬૨ રૂપિયા હતો અને અત્યારે ૮૩.૭૫ રૂપિયા છે. ૨૦૧૪માં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આવી ત્યારે પેટ્રોલના ભાવ ૮૩.૬૨ રૂપિયા હતા તે પછી ૨૦૧૫માં ૬૩.૯૦ રૂપિયા, ૨૦૧૬માં ૬૨.૭૫ રૂપિયા, ૨૦૧૭માં ૭૮.૦૦ રૂપિયા થયા આમ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો કાબૂમાં રાખવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા ચે અને સતત કરતી રહી છે. જાડેજાએ કોંગ્રેસ ઉપર તીવ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નકારાત્મક અને ખંડનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજના વિવિધ વર્ગો વચ્ચે વાડા ઉભા તાય તેવા નિરર્થક પ્રયત્નો કરીને સમાજ જીવનને દુષિત કરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. સમાજ જીવનમાં નકારાત્મક પ્રવૃત્તિઓ સ્વીકાર્ય નથી. આ ગુજરાત છે, ગુજરાતની પ્રજા ક્યારેય ગુજરાતમાં અહિતને સ્વીકારશે નહીં. માત્રને માત્ર આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ આવા પ્રયાસો કરી રહી છે. ગુજરાતની પ્રજા ૨૦૧૯માં આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને જડબાતોડ જવા આપશે તેવો વિશ્વાસ જાડેજાએ વ્યક્ત કર્યો હતો.