હિંસાના તાંડવને બંધ કરવામાં આવે :  રવિશંકર

1042

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો ઉપર કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ દ્વારા ભારત બંધની હાકલ કરવામાં આવી છે ત્યારે ભાજપે આને નિષ્ફળ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. ભાજપે કહ્યું છે કે, બંધ દરમિયાન હિંસા કોંગ્રેસ અને વિરોધ પક્ષોની નિષ્ફળતાને સાબિત કરે છે. ભાજપે હિંસા ઉપર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, દેશની રાજનીતિ હિંસા ઉપર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેલની કિંમતોમાં થઇ રહેલા વધારાના મુદ્દે તેમણે કહ્યું હતું કે, આમા સરકારનો કોઇપણ હાથ નથી. ભાજપે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલના નિવેદનથી દેશને ચિંતા થાય છે. બીજી બાજુ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલની વધતી જતી કિંમતોના મુદ્દે ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. હિંસાના તાંડવ અને મોતના ખેલને બંધ કરવામાં આવે તે જરૂરી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, વિપક્ષી દળો તીવ્ર પ્રહારો કરી રહ્યા છે. બંધ દરમિયાન બિહારના જેહાનાબાદમાં કોંગ્રેસ અને વિપક્ષી દળો એમ્બ્યુલન્સને પણ જવા દીધી નથી જેના લીધે બાળકીનું મોત થયું છે. આ મોત માટે કોણ જવાબદાર છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસને આ અંગે જવાબો આપવા જોઇએ. હિંસાના તાંડવ અને મોતની રમત બંધ થવી જોઇએ. કોંગ્રેસ અને વિરોધ પક્ષો જાણી જોઇને દહેશતની સ્થિતિ સર્જી રહ્યા છે. રવિશંકર પ્રસાદે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જીએસટી અને નોટબંધી પર પડકાર ફેંક્યો હતો. તેઓ એક કાર્યકર તરીકે છે. તેઓ જીએસટી અને નોટબંધી ઉપર વિપક્ષને પડકાર ફેંકે છે. રવિશંકર પ્રસાદે પેટ્રોલિયમ પેદાશોમાં વધતા જતા ભાવના કારણો પણ આપ્યા હતા. તેમણે  ઉમેર્યું હતું કે, ભાજપ સરકારે દેશમાં મોંઘવારીને ઘટાડવા માટેના તમામ પ્રયાસો જારી રાખ્યા છે. સફળતા પણ મળી છે. ૨૦૦૯ અને ૨૦૧૪ વચ્ચેના ગાળામાં ફુગાવો ૧૦.૪ ટકા હતો જે હાલમાં ૪.૦૭ ટકા છે. સરકારે ઇન્કમટેક્સ અને જીએસટીમાં મોટી રાહતો આપી છે. આના કારણે દેશહિતમાં ઘણા કામ થયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, સરકારે જુદી જુદી યોજનાઓમાં સામાન્ય જનતાના હિત માટે ટેક્સ મારફતે આવક મેળવી રહી છે. રાઇટ ટુ ફુડ અને સસ્તા દરે ખાદ્યાન્ન ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સપ્લાયમાં આશરે એક લાખ ૬૨ હજાર કરોડનો ખર્ચ થાય છે. મનરેગા મજબૂરી ઉપર ૭૦૦૦ કરોડનો ખર્ચ થાય છે. નેશનલ હાઈવે પ્રોગ્રામ પર લાખો કરોડ ખર્ચ થાય છે. એક કરોડ ગ્રામિણોને આવાસ આપવામાં આવ્યા છે. ૧૮૦૦૦ ગામોમાં વિજળી પહોંચાડવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૧૦ કરોડ પરિવારને વાર્ષિક ઇન્સ્યોરન્સ છત્ર આપવામાં આવનાર છે. પાંચ લાખનો છત્ર આપવામાં આવનાર છે. રવિશંકર પ્રસાદે વિપક્ષી ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા.