બરવાળા શહેરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી ઠેર-ઠેર ઉભરાયા

847

બરવાળા નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના કાર્યરત થઈ ત્યારથી જ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે જેમાં કુંડીઓ,પાઈપના જોઈન્ટ,હાઉસ કનેકશન,કુંડીઓ તેમજ લાઈન ચોકઅપ થઈ જવી જેવી અનેક સમસ્યાઓથી બરવાળા શહેરના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે અને રહીશો ધ્વારા તંત્રને કામ ચાલુ હતુ ત્યારથી જ આ અંગે અનેકવાર રજુઆતો કરવા છતા તંત્ર ધ્વારા રહીશોના ભુગર્ભ ગટરના પ્રશ્નની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવેલ ન હોવાથી તંત્ર પ્રત્યે રોષ ભભુકી ઉઠયો છે.

બરવાળા શહેરની ભુગર્ભ ગટર યોજના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરી એજન્સીને કોન્ટ્રાકટ આપી ભુગર્ભ ગટરનું કામ કરાવવામાં આવેલ હતુ પરંતુ કામની એજન્સી અને પાણી પુરવઠા બોર્ડના તંત્રના પાપે એજન્સી ધ્વારા મનસ્વીરીતે કામ કરી કામમાં અનેક ક્ષતિઓ રાખવામાં આવી હોવાથી શહેરમાં ભુગર્ભ ગટરની લાઈનો ચોકઅપ થઈ જવી,કુંડીઓ બ્લોક થઈ જવી,લાઈનોના જોઈન્ટ ન મારવા,લાઈનો બેસી જઈ જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થવા પામ્યા છે.તેમજ કુંડીઓ બ્લોક થઈ જવાના કારણે શહેરના ઘરવપરાશના ગંદા પાણી ઠેર-ઠેર રસ્તા ઉપર ફરીવળતા લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવુ પડતુ હોવાથી પાણી પુરવઠા બોર્ડના તંત્ર પ્રત્યે રહીશોમાં રોષ ભભુકી ઉઠયો છે.