ઘોઘા-દહેજ રો-રો ફેરીની સર્વિસને લંબાવવા તૈયારી

855

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના કામો સંદર્ભના પ્રશ્નની ચર્ચામાં માહિતી આપી હતી કે, ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ એ સાઈઝ અને ક્ષમતાની દૃષ્ટિએ દેશની સૌ પ્રથમ સર્વિસ છે. ત્યારે તેના નિર્માણમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે રાજ્ય સરકારે દૃઢ ઈચ્છા શક્તિથી આ સમગ્ર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ હવે બીજા તબક્કમાં રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ થઈ રહી છે જેના કારણે મુસાફરોની સાથે સાથે મોટા વાહનોનું કાર્ગો સ્વરૂપે વહન થઈ શકશે. તેમણે ઉમેર્યું હતું કે, ઘોઘો-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસને કચ્છ ઉપરાંત હજીરા -જાફરાબાદ – પીપાવાવથી જરૂર પડ્‌યે મુંબઈ સુધી લંબાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

આ સંદર્ભે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કાર્ગો અને પેસેન્જર પરિવહન માટેની દહેજ-ઘોઘા રો-પેક્ષ સર્વિસ માત્ર દેશભરની નહીં દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી સર્વિસ બની રહી છે ત્યારે શરૂઆતના તબક્કે આંતરરાષ્ટ્રીય  તજજ્ઞ મે. બેકેટ રેન્કીંગ પાસે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં કુલ પાંચ સ્થળો ઘોઘા-દહેજ, હજીરા, જાફરાબાદ અને પીપાવાવની પસંદગી કરવામાં આવી હતી જેને તબક્કાવાર મુંબઈ સુધી લંબાવવાનો નિર્દેશ પણ આ અહેવાલમાં કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ પ્રથમ તબક્કે માલ-સામાન અને પેસેન્જરની દરિયાઈ માર્ગે હેરફેર કરવા દહેજ-ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, દહેજ-ઘોઘા ફેરી સર્વિસને હજીરા સુધી લંબાવવા મે. એસ્સાર બલ્ક ટર્મિનલ લી.ને હજીરા ખાતેની જેટીમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા મંજુરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયેથી ફેરી સર્વિસ હજીરા સુધી લંબાવી શકાશે. મંત્રી એ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છના અખાતમાં રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા માટે શક્યતાદર્શી અહેવાલ મે. આઈ મેરીટાઈમ પ્રા.લિ પાસે તૈયાર કરાવ્યો છે. આ અહેવાલના તારણ મુજબ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા તાંત્રિક તેમજ નાણાકીય દૃષ્ટિએ સંભવિત પથ તરીકે મુન્દ્રા નજીકના કુવાયા અને બેડી-જામનગર વચ્ચેનો પથ નિર્દેશ કરાયો છે. દહેજ-ઘોઘા વચ્ચે હવે બીજા તબક્કામાં રો-પેક્ષ ફેરી સર્વિસની શરૂઆત થઈ રહી છે તેની વિગતો આપતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૨, ઓકટોબર ૨૦૧૭થી પ્રથમ તબક્કાની પેસેન્જર ફેરી સર્વિસનો શુભારંભ કરાયો હતો અને  જુન-૨૦૧૮ સુધીમાં આ ફેરી સર્વિસનો ૫૪૬૩૯ મુસાફરોએ લાભ લીધો હતો. ચોમાસા દરમિયાન વિષમ પરિસ્થિતિ હોવાથી સલામતીના કારણોસર આ પેસેન્જર ફેરી બંધ કરાઈ હતી. આ યોજનાના બીજા તબક્કામાં  રો-પેક્ષ ફેરી સર્વિસ નવરાત્રીના પવિત્ર દિવસોમાં શરૂ થશે. આ માટે ૫૦૦ મુસાફરોની અને ૬૫ ટ્રકોના સમાવેશની ક્ષમતા ધરાવતું વિશાળકાય જહાજ કોરિયાથી ખરીદ કરાયું છે જેમાં આનુસાંગિક માળખાકીય સુવિધાઓ ઉભી કરીને હાલ ઓખા બંદરે લાંગરવામાં આવ્યું છે. બીજા તબક્કાની આ રો-પેક્ષ સેવાના પ્રારંભીક તબક્કામાં રોજની એક ટ્રીપથી શરૂ કરાશે જેને તબક્કાવાર રોજની ચાર ટ્રીપ સુધી લઈ જવાશે.