ગાંધીનગરમાં સ્વાઇન ફ્‌લૂનો પ્રવેશ : સે-૩માં પ્રથમ કેસ

1466

જીવલેણ બની શકતા સ્વાઇ ફ્‌લૂનો પ્રવેશ આખરે પાટનગરમાં થઇ ગયો છે. તેની સાથે જ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જન જાગૃત્તિ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યા પ્રમાણે સેક્ટર ૩ ન્યુમાં ૪૬ વર્ષના પુરુષને સ્વાઇન ફ્‌લૂ થવાથી તેની સારવાર શરૂ કરવાની સાથે તેના રહેણાંક વિસ્તારમાં અગમચેતીના પગલા ભરવામાં આવ્યા છે.જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અત્રે નોંધવું રહેશે કે અમદાવાદમાં સ્વાઇ ફ્‌લૂનો વાવર ચાલે ત્યાર બાદના પખવાડિયામાં દર વર્ષે ગાંધીનગરમાં રાડ પડવાની શરૂ થઇ જાય છે. અત્રે ઉલ્લેખનિય રહેશે કે ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં ગત વર્ષે સ્વાઇન ફ્‌લૂના દર્દીનો આંકડો ૫૬ પર પહોંચ્યો હતો.

મહાપાલિકાના મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે મહાપાલિકા વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં સ્વાઇન ફ્‌લૂનો એક દર્દી નોંધાયો હતો. પરંતુ રોગચાળાની આ મોસમનો પ્રથમ કેસ સેક્ટર ૩માં નોંધાયો છે. દર્દીના ઘરની આસપાસના ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી દેવાઈ છે. ઉપરાંત દર્દીના પરિવારજનોને તપાસી લેવામાં આવ્યા છે. પરંતુ કોઇને દવા આપવાની જરૂર હાલના તબક્કે જણાઇ નથી.

ગાંધીનગર શહેર વિસ્તારમાં સ્વાઇન ફ્‌લૂનો ચાલુ મોસમનો પ્રથ કેસ સેક્ટર ૩માં નોંધાયો છે. ત્યારે જાનલેવા બની શકતા આ રોગ સંબંધમાં લોક જાગૃત્તિ કેળવાય તેના માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના જાહેર સ્થળો પર બોર્ડ અને ર્હોડિંગ્સ લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્વાઇન ફ્‌લૂના સામાન્ય લક્ષણોમાં શરદી, ખાંસી અને ગળામાં દુખાવો થવા સાથે ભારે તાવ આવે છે. ઉપરાંત શરીર તુટવા સાથે નબળાઇ લાગે છે, ઝાડા ઉલ્ટી પણ થઇ શકે છે અને શ્વાસ ચઢવા સહિત ન્યૂમોનિયા જેવા લક્ષણો જણાય છે. તેનાથી બચવા માટે ભીડભાડ હોય તેવા સ્થળે ન જવું, ઉધરસ કે છીંક ખાતી વખતે હોં અને નાક ઢાંકવા, હાથ મિલાવવાના બદલે નમસ્કાર કરવા, વારંવાર સાબુ અને પાણીથી ધોવા, ખુબ પ્રમાણમાં પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવાની સાથે પુરતી ઉંઘ કરવી જરૂરી છે. નગરવાસીઓમાં સ્વાઇન ફ્‌લૂ સંબંધમાં જાગૃત્તિ કેળવવા માટે મહાપાલિકા દ્વારા મુખ્ય જાહેર સ્થળો પર રોગના લક્ષણ અને ઉપાય દર્શાવતા બોડ્‌ર્સ અને ર્હોડિંગ લગાડવામાં આવી રહ્યા છે.

મહાપાલિકા વિસ્તારમાં ગત વર્ષે સ્વાઇન ફ્‌લૂના દર્દીઓની સંખ્યા ૫૬ પર પહોંચી ગઇ હતી અને તેમાંથી ૬ દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે મહાપાલિકા વિસ્તાર સહિત જિલ્લામાં અત્યાર સુધીમાં આ મોસમમાં ૧૪ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે અને તે પૈકીના ૪ દર્દીના મોત થઇ ચૂક્યા છે.ત્યારે હવે ફરી શહેરમાં આ રોગે પગપેસારો કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Previous articleગાંધીનગર શહેર માટે ગણેશ વિસર્જન કરવા સંતસરોવર ખાતે ખાસ કુંડની વ્યવસ્થા
Next articleભાદરવામાં ઉકળાટ વચ્ચે અચાનક ગાંધીનગરમાં ધોધમાર વરસાદ