આયુષ્યમાન યોજના આજે શરૂ : ગુજરાતમાં તૈયારીઓ

798

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલ આજની કારોબારીમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ-જય વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રહેતા પોતાના મુખ્યમંત્રીકાળ દરમ્યાન પ્રજાના દરેક વર્ગને સ્પર્ષે તેવી અનેકવિધ યોજનાઓનું અમલીકરણ હાથ ધર્યુ હતુ.  ટુંકાગાળા, મધ્યમગાળા અને લાંબા ગાળાની યોજનાઓ થકી લાખો-કરોડો લાભાર્થીઓને લાભો મળતા હોય છે. તેવી અગત્યની ફ્‌લેગશીપ યોજનાઓ નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અમલ કરી રહી અને તેવી જ રીતે અત્યારે દેશભરમાં અમલ કરી રહ્યા છે. પ્રજાના હદયને આ યોજનાઓ પ્રેમથી સ્પર્ષી રહે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાંચી – ઝારખંડ ખાતેથી આરોગ્યલક્ષી વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ-જયનો દેશવ્યાપી શુભારંભ કરાવશે.

અને રાજ્યકક્ષાનો શુભારંભ કાર્યક્રમ આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ્‌હસ્તે સીવીલ હોસ્પીટલ અસારવા, અમદાવાદ ખાતે યોજાશે. યુપીએના શાસન દરમ્યાન ૨૦૧૧માં આખા દેશમાં આર્થિક-સામાજીક સર્વે કરવામાં આવ્યો હતો. યુપીએ સરકારે તે સર્વેનો કોઇ જ ઉપયોગ કર્યો ન હતો. માત્રને માત્ર એ રેકર્ડ પર જ રહ્યો હતો. તે સર્વેના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત લાભાર્થીઓની પસંદગી કરી છે. ગુજરાત રાજ્યમાં ૪૪ લાખ ૮૫ હજાર પરિવારોને એટલે કે, ૨.૩૨ કરોડ નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળવાનો છે. ગુજરાતમાં સરકારી અને ખાનગી તેમ મળીને કુલ ૧૭૦૦ હોસ્પીટલો મારફતે આ યોજનાનો લાભ લાભાર્થીઓને મળશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ યોજના અંતર્ગત નાનીથી લઇને બધી જ મોટી બીમારીઓને આવરી લેવામાં આવશે. નાનામાં નાના હળવા રોગોની સારવાર પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે. આ યોજના કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની ભાગીદારીવાળી યોજના છે. તેમાં ૬૦ ટકાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે અને ૪૦ ટકાનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ યોજના અંતર્ગત બે વિભાગ પાડવામાં આવ્યા છે. ૫૦ હજાર રૂપિયાથી નીચેની સારવાર એ વીમા કંપનીઓ થકી ચૂકવણી કરવામાં આવશે અને ૫૦ હજારથી વધુ ખર્ચવાળી સારવારની ચૂકવણી મા વાત્સલ્યની જેમ જ રાજ્ય સરકાર દ્વારા ચકાસણી કરીને ચૂકવણી કરવામાં આવશે. ગુજરાતની રાજ્ય સરકારે વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી દીધેલ છે.  દેશ તેમજ રાજ્યના લાભાર્થીઓને વડાપ્રધાનના સંદેશવાળો પત્ર મળશે અને તે પત્રમાં જોડાયેલ સ્લીપના આધારે આધારકાર્ડ દ્વારા લાભાર્થી તરીકેની માન્યતા આપવામાં આવશે. રજીસ્ટર્ડ થયેલ હોસ્પીટલોમાં આરોગ્ય મિત્ર તરીકે સહાયકની નિમણુંક કરવામાં આવશે જેઓ આ યોજનાનું સંપૂર્ણ માર્ગદર્શન આપશે. માનવસેવાની મોટામાં મોટી કામગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઇ રહ્યા છે ત્યારે સરકાર તેમજ સંગઠન સાથે જોડાઇને આ યોજનાનો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને અપાવી શકીએ તે માટે કાર્યરત થવાની અપીલ નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.