શું આ જ છે આપણી શ્રદ્ધા?

1551

રાજ્ય સહિત દેશભરમાં 10 દિવસ ગણેશ મહોત્સવ ઉજવીને ગઇકાલે તેમનું ભાવભક્તિ રૂપે વિસર્જન કરાયું હતું. થોડા વર્ષોથી અનેક લોકો નાની માટીની મૂર્તિ પોતાના ઘરે જ કુંડમાં વિસર્જીત કરીને ગણપતિ બાપાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપે છે. પરંતુ હજી પણ અનેક લોકો છે જેઓ પીઓપીની મોટી મોટી મૂર્તિ ખરીદે છે અને તેમને પણ ભાવપૂર્વક જ કોઇ નદી કિનારે કે બનાવાયેલા કુત્રિમ કુંડમાં પધરાવે છે. આ લોકો પોતાના ઘરે કે પંડાલોમાં તો મૂર્તિને શ્રધ્ધાપૂર્વક રાખે છે પણ પધરાવ્યાં પછી જ્યારે તે જ ગણેશની મૂર્તિ આમતેમ રઝળે છે ત્યારે તેમની શ્રધ્ધા ક્યાં જાય છે? શું તેમને ત્યારે નથી થતું કે આ અમારા ગણપતિ બાપાનું શું થાય છે?

ગુજરાતમાં ગણેશજી અને દશામાની મૂર્તિઓ મહદ્ અંશે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી બનાવાય છે. આ પ્રવૃત્તિમાં અમદાવાદ, વડોદરા અને સૂરત શહેર મુખ્ય છે. એક અંદાજ મુજબ 10,000 કારીગરો દ્વારા તૈયાર થતી આવી બે લાખથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પદાર્થો હોય છે. જયારે રાસાયણિક રંગોમાં મકર્યુરી, લેડ, કેડમિયમ અને કાર્બન જેવા પદાર્થો હોય છે. નદી, તળાવ કે દરિયામાં આ મૂર્તિ વિસર્જિત થતાં પાણી પ્રદૂષિત થાય છે અને જલજ વનસ્પતિને પણ નુકસાન થાય છે.