રાફેલ ડિલમાં દસ્તાવેજોને સીઝ કરવા કોંગ્રેસની માંગ

974

રાફેલ ડિલમાં ભ્રષ્ટાચારીઓને મોદી સરકારની ફરિયાદ મામલે કોંગ્રેસે હવે સીવીસીમાં રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતાઓએ આજે સીવીસીમાં પહોંચી જઇને આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. સીવીસીને મળીને પરત ફર્યા બાદ પૂર્વ કેન્દ્રીયમંત્રી આનંદ શર્માએ કહ્યું હતું કે, આ સોદાબાજી સંપૂર્ણપણે વડાપ્રધાન તરફથી કરવામાં આવી છે. ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે વડાપ્રધાન મોદી અને ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદ વચ્ચે જે નિવેદન છે તેના આધાર પર આ બાબત સ્પષ્ટ થાય છે. એ દિવસે બંને નેતાઓના નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે કે, આ એજ વિમાન છે જે હવાઈ દળ દ્વારા માંગવામાં આવ્યા હતા. આનંદ શર્માએ મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ ડિલના તમામ દસ્તાવેજ જપ્ત કરવામાં આવે તે જરૂરી છે.

સીવીસી તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવે તે જરૂરી છે. આનંદ શર્માએ કહ્યું હતું કે, સીવીસીની આ જવાબદારી બને છે કે, જે સરકારમાં આટલો ભ્રષ્ટાચાર છે તેના કાગળ જપ્ત કરવામાં આવે. સરકાર કોઇ કાગળોને ખરાબ ન કરે તે માટે સીવીસીને તરત કાર્યવાહી કરવી જોઇએ. રાફેલ ડિલ મોટા કૌભાંડો પૈકી એક છે. આનંદ શર્માની સાથે ઉપસ્થિત રહેલા સુરજેવાલાએ કહ્યું હતું કે, ફસાઈ ગયા બાદ ભાજપ દ્વારા આક્ષેપોને આધારવગરના ગણાવવામાં આવી રહ્યા છે. આ પહેલા આનંદ શર્મા સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ સીવીસીમાં મિટિંગ કરીને મામલાની તપાસની માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ પહેલા વિપક્ષી પાર્ટીના નેતાઓએ કેગને મળીને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આ ડિલને લઇને ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને અહેવાલને સંસદમાં રજૂ કરવામાં આવે. ઓલાંદના નિવેદન બાદથી કોંગ્રેસ પાર્ટીને પ્રહાર કરવા માટે નવા હથિયાર મળી ગયા છે. પેરિસમાં ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે ફ્રાંસવા ઓલાંદની સાથે મિટિંગ બાદ ૩૬ રાફેલ ફાઇટર જેટ વિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ડિલને લઇને ફ્રાંસ સરકારે કહ્યું હતું કે, તેમની ભારતીય ભાગીદાર કંપનીની પંસદગી કરવામાં કોઇ ભૂમિકા રહી નથી. પ્રોજેક્ટ ઉપર કામ કરનાર કંપનીને આની પૂર્ણ સ્વતંત્રતા રહેલી છે. રિલાયન્સ દ્વારા પણ પોતાનો બચાવ કરવામાં આવ્યો છે. અનિલ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ગ્રુપે પોતાના અને સરકારનો બચાવ કરતા કહ્યું છે કે, તેને કોન્ટ્રાક્ટ અપાવવામાં સરકારની કોઇપણ પ્રકારની ભૂમિકા રહી નથી. અનિલ અંબાણી ગ્રુપ પણ વિવાદોના ઘેરામાં છે. અનિલ અંબાણી પણ હાલમાં વિવાદના ઘેરામાં આવી ગયા છે. રાફેલ ડિલને લઇ તેમના પર પ્રહાર થઇ રહ્યા છે.