ગુજરાતમાં આવતા ઉદ્યોગોએ ૮૦ ટકા ગુજરાતીઓને ફરજીયાત નોકરી આપવી પડશે : વિજય રૂપાણી

835

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ૮,૫૦૦ યુવાનોને કરાર પત્રોનું વિતરણ કર્યું હતું. આ સમયે તેમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં જે ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરના સાહસો આવશે તેમણે ૮૦ ટકા ગુજરાતીઓને રોજગારી આપવી પડશે. તેમજ જે વિસ્તારમાં તેની સ્થાપના થાય ત્યાંના ૨૫ ટકા સ્થાનિક લોકોને સમાવવાની જવાબદારી લેવી પડશે. સરકાર આગામી દિવસોમાં આ મામલે કાયદો લાવવાની દિશામાં આગળ વધી રહી છે.

રૂપાણીએ આગળ કહ્યું કે, વડાપ્રધાને મેઇક ઈન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે, તેને સાકાર કરવા ગુજરાતમાં માર્ચ ૨૦૧૯ પહેલાં ૧ લાખ યુવાનોને આ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં કૌશલ્યવાન બનાવવામાં આવશે. જેના દ્વારા યુવાનોને નવી તકો આપવામાં આવશે. એપ્રેન્ટીસશિપ એક્ટ અન્વયે આપવામાં આવતી તાલીમ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ૨૬ ટકા તાલીમાર્થીઓ સાથે અગ્રેસર છે.

રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની માંગ કરે છે, પરંતુ અમે બેકારી ભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટીટ્યુડ રાખી તેની કૌશલ્ય શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અયોધ્યામે રામ, યુવાઓ કો કામ, મહેંગાઇ પે લગામ, હટા દો ભ્રષ્ટાચારી બદનામનો ધ્યેય લઇને શાસનમાં સેવાદાયિત્વ નિભાવનારા લોકો છીએ.

આ સિવાય મુખ્યમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધી ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું. હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજીને અનુરૂપ ૧૪૦ જેટલા નવા કોર્ષ તમામ તાલુકાઓમાં આઈ.ટી.આઈ સાથે શરૂ કર્યા છે. જેમાં પોણા બે લાખ યુવાઓ આ કોર્ષિસની તાલીમ મેળવે છે.

મુખ્યમંત્રીએ અંતે જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસના સમયમાં નીતિ, નેતા અને નિયતના અભાવે દેશ સાચી દીશાથી વંચિત રહ્યો. હવે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહી નેતા, સાફ નિયત અને સ્પષ્ટ નીતિને કારણે ભારતની શાખ વધી છે. આ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજનામાં યુવાનોને તાલીમ સાથે સ્ટાઇપેન્ડ પણ આપીએ છીએ.

Previous articleબીએની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પૂછાતાં વિદ્યાર્થી પરેશાન
Next articleરાજુલા ભાજપ દ્વારા દિનદયાળ જયંતિ ઉજવાઈ