ખેડૂતોના જમીન વળતરના રૂ. ૩૪ કરોડના મુદ્દે સરકારની ઓફીસમાંથી સામગ્રી જપ્ત કરતી કોર્ટ

1667

ગાંધીનગરના ધોળાકુવાના ૮ ખેડૂતોના ૩૪ કરોડ રૂપિયાનું જમીનનું વળતર નહીં ચુકવતાં કોર્ટે કડક થઈ જપ્તીનો હુકમ કરતાં સરકારના માર્ગ અને મકાન વિભાગની ડીવીઝન-ર ની ઓફીસમાંથી જપ્તી કરી, ઓફીસ ફર્નીચર, સોફા, કોમ્પ્યુટર, ટેબલ, પંખા જેવી તમામ સામગ્રી કોર્ટના હુકમથી જપ્ત કરવામાં આવી હતી.

બપોર બાદ કોર્ટ તરફથી વોરંટની બજવણી ડી. વી. પંડયા તેમજ આર. એમ. રાજપુત દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના જસ્ટીસ આર. ડી. મહેતાની કોર્ટમાંથી આ હુકમ કરવામાં આવ્યો હતો.

લાંબી કાનુની પ્રક્રિયાને અંતે ગાંધીનગર તાલુકાના મોજે – ધોળાકુવા ગામના ખેડુતોની ખેતીની જમીન સરકારે સંપાદન કરેલ છે. સંપાદન થયેલ જમીનનું વળતર નજીવું ચુકવાતાં ખેડૂતો દ્વારા રેફરન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધીની લાંબી લડત આપવી પડેલ છે. છેલ્લે સુપ્રિમ કોર્ટે ૭ મી એપ્રિલ, ર૦૧૬ ના રોજ ચુકાદો આપી અંશતઃ રેફરન્સ કોર્ટ અને અંશતઃ હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખેલ છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ અપીલ રદ કરેલ છે.

આ ચુકાદો આવ્યા પછી ચુકાદાનો સ્વીકાર કરવો કે રીવીઝન કરવી તેનો નિર્ણય લગભગ એક વર્ષ પછી સરકારે કરેલ છે અને રર મી માર્ચ, ર૦૧૭ ના પાત્ર નં. જમન-૧૦ર૦૦પ-૮પ૧(૪૩)-પાર્ટ-૧-આર-૧ થી માર્ગ અને મકાન વિભાગે આ ચુકાદો સ્વીકારવાનો નિર્ણય કરેલ છે. આમ સુપ્રિમ કોર્ટનો ચુકાદો સ્વીકારવામાં જ ગુડ ગવર્નન્સનો દાવો કરતી સરકારે એક વર્ષ જેટલો સમય લીધેલ છે.

સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ખેડૂતોને ચુકવવા પાત્ર થતી વધારાના વળતરની રકમ મળવા ખેડૂતોએ સીનીયર સીવીલ જજ, ગાંધીનગરની કોર્ટમાં દરખાસ્ત દાખલ કરેલ છે જેને આધારે અઢી વર્ષ જેટલો સમય થયેલ હોવા છતાં હજુ સુધી ખેડૂતોને ચુકવવા પાત્ર થતી વધારાના વળતરની રકમ ચુકવવામાં આવી નથી.

આથી સીનીયર સીવીલ જજ દ્વારા જો વધારાના વળતરની રકમ કોર્ટમાં જમા કરાવવામાં નહી આવે તો જપ્તી વોરંટ ઈસ્યુ કરવામાં આવશે તેવુ કોર્ટમાં હાજર રહેલ અધિકારીઓને જણાવેલ હતું, આ હકીકતની જાણ ખેડૂતોના વકીલે ગુજરાત રાજયના મુખ્ય સચિવ અને માર્ગ-મકાન વિભાગના સચિવને નામજોગ પ મી સપ્ટેમ્બર, ર૦૧૮ ના પત્રથી કરેલ છે.

એટલુ જ નહીં ખેડૂતોએ માર્ગ અને મકાન વિભાગના સચિવને બે થી ત્રણ વખત રૂબરૂ મળીને પણ રજુઆત કરેલ છે. આમ છતાં પણ વળતરની રકમ કોર્ટમાં જમા કરાવવામાં નહી આવતાં સીનીયર સીવીલ જજ દ્વારા આજ રોજ ર૬ મી સપ્ટેમ્બર, ર૦૧૮ ના રોજ જપ્તી વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે અને તેની બજવણી પણ કરવામાં આવેલ છે.

આમ ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્ને જરા પણ ચિતીંત નથી તે સ્પષ્ટપણે જણાઈ આવે છે.

Previous articleઉપવાસ છાવણી ખાતે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા ૭ર કલાકના ઉપવાસ
Next articleજીઇ પાવર થર્મલ પ્લાન્ટ્‌સને ભારતની પ્રથમ લો NOx બોઇલર ટેકનોલોજી ડિલિવર કરશે