વિખવાદ અંગે રાહુલે ગુજરાત કોંગી લીડરોને ફટકાર લગાવી

1052

ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદને ગંભીરતાથી લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓને સારી ભાષામાં ઝાટકયા હતા અને એટલું જ નહી, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને અસરકારક બનાવવા તેમ જ લોકસભાની ચૂંટણીને લઇ ધ્યાને કેન્દ્રિત કરવા રાહુલ ગાંધીએ મહત્વના સૂચનો પણ કર્યા હતા. રાહુલે દોઢ મહિનામાં આંતરિક મતભેદો ભુલીને પક્ષને એક કરવા માટેની ચીમકી ઉચ્ચારી હતી. માત્ર એટલું જ નહીં, વર્તમાન કોંગ્રેસ પ્રમુખની કામગીરીથી નારાજ રાહુલ ગાંધીએ અગાઉની માફક ચાર ઝોનના ચાર કાર્યકારી પ્રમુખ બનાવવા માટેની સલાહ આપી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના સિનિયર આગેવાનો છેલ્લા બે દિવસથી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. જેમાં લોકસભાની આગામી ચૂંટણીની સાથે ગુજરાત કોંગ્રેસના માળખા અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક જૂથ બંધી અંગેની અનેક ફરિયાદો રાહુલ ગાંધી સુધી પહોંચી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને કડક શબ્દોમાં જૂથ બંધ દૂર કરી લોકસભાની ચૂંટણીમાં એક થઈને લડવાની સૂચના આપી હતી. તદુપરાંત ગુજરાતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમ ખાવા પુરતી ૨૬માંથી એક પણ બેઠક મળી નહોતી. જે અંગે પણ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર આગેવાનોને ચીમકી આપી હતી કે, આગામી લોકસભાની ચૂંટણીમાં સંગઠનની એકતા અને ઉમેદવારોની પસંદગી તથા ચૂંટણી અંગેની રણનીતિ સૌ સાથે મળીને કરશો તો ગુજરાતમાં કોંગ્રેસને અગાઉ જેટલી વધુ સીટો મળી શકે તેમ છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદે અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીની નિમણૂંક બાદ પક્ષના કેટલાક સિનિયર આગેવાનો નારાજ થયા હતા, એટલું જ નહીં અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે પણ સંકલનનો અભાવ હોવાની ફરિયાદો રાહુલ ગાંધી સુધી પહોંચી હતી. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચેના અંતર અંગે કોંગ્રેસના સૂત્રોના મતે, પ્રદેશના સંગઠનની બેઠકો કે રણનીતિમાં વિધાનસભા વિપક્ષના નેતાને દૂર રાખવામાં આવી રહ્યા છે, જેનું કારણ એવું બતાવવામાં આવે છે કે, પરેશ ધાનાણી વિરોધપક્ષના નેતા હોવાથી તેમની જવાબદારી માત્ર ધારાસભ્યોને સાચવવાની છે, સંગઠનમાં તેમનું કોઈ સ્થાન હોઇ શકે નહીં. તો બીજી બાજુ ધાનાણી પણ ધારાસભ્યો સાથેની બેઠક દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને સાથે રાખતા નથી.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીઓને પગલે ગુજરાત કોંગ્રેસની નવી ટીમની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. જેમાં ૨૦૦ લોકોની નવી ટીમ બનાવવાના પ્રસ્તાવને રાહુલ ગાંધીએ સ્વીકાર્યો હતો. જેમાં નેતાઓની યોગ્યતા અને કાબેલિયત જોઈને પસંદગી થશે.ગુજરાત કોંગ્રેસમાં ફરી ચાર કાર્યકારી પ્રમુખો બનાવાશે. જેને પગલે અમિત ચાવડા નારાજ થયા હોવાની વાત સામે આવી રહી છે. જો કે આ પહેલા ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલ સમયે પણ કાર્યકારી પ્રમુખો હતા. પરંતુ આગામી દિવસોમાં કોંગ્રેસના સંગઠનમાં અને જિલ્લા-તાલુકા સ્તરે મહત્વના ફેરફારો થવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.

Previous articleવિધાનસભા ખાતે વિઠ્ઠલભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પુષ્પાંજલિ
Next articleરાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું ૮૩ વર્ષની જૈફ વયે નિધન