વિદેશી ડેલીગેશને ગાંધીનગરમાં દાંડીકુટિરની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું

1127

કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે તા. ૨ ઓક્ટોબર, ૨૦૧૮ સુધી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનીટેશન કન્વેનશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કન્વેન્શનમાં ભાગ લેવા આવેલા ૬૦ દેશોના ૧૩૮ ડેલીગેટસનું ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે આ મંડળનું રાજ્યપાલ ઓ. પી. કોહલી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૬૦ દેશોના પ્રતિનિધિઓ ગાંધીના ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા છે. સવારના આ પ્રતિનિધિમંડળે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોડેલ અને સ્વચ્છ એવા પૂંસરી ગામની મુલાકાત લીધી હતી. બપોર બાદ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરના દાંડીકુટિરની મુલાકાત લઇ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રની રસપ્રદ માહિતી મેળવી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છતાના આગ્રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી થનાર છે. આ અભિયાનનું સુચારૂં આયોજન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. તા.૨ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ રાજ્યના મંત્રીઓ વિવિધ જિલ્લામાં થનાર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં સહભાગી બનશે. આ કાર્યક્રમો થકી મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અંગેના ઉમદા વિચારોથી નવી પેઢીને માહિતગાર કરવામાં આવશે.

આ પ્રતિનિધિ મંડળે દાંડીકુટિર ખાતે ગાંધીજીના જીવનચરિત્ર પર આધારિત ‘ગાંધી ટુ મહાત્મા’ ડિજીટલાઇઝ પ્રદર્શન ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું હતું. ગાંધીજીના જીવન વિશેની વધુ માહિતી મેળવી હતી. મુલાકાત બાદ વિવિધ દેશોમાંથી આવેલા મંત્રીઓ-પ્રતિનિધિઓએ દાંડીકુટિરની વિઝીટ બુકમાં પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મહાત્મા મંદિર ખાતે આ ડેલીગેટ્‌સ માટે સ્નેહમિલન-ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં કેન્દ્રીય પેયજળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી રમેશ ચડપા જિગાજિનજી, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર, ગ્રામવિકાસ કમિશનર મોના ખંધાર, ગાંધીનગર કલેક્ટર એસ. કે. લાંગા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપુંસરી ગામની મુલાકાતથી ૬૦ દેશોના પ્રતિનિધિઓ પ્રભાવિત
Next articleસાબરકાંઠા ભાજપની કારોબારી બેઠક સાબર ડેરી ખાતે યોજાઈ