કુલ ૫૦૦૦ કરોડની ઉપજો ટેકાના ભાવે લેવાઈ : રૂપાણી

540

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહ્યા હતા. આણંદ જિલ્લાના મોગર ખાતે અમૂલના ૧૧૨૦ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ થયું ત્યારે મુખ્યમંત્રીએ પણ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. કુરિયને સહકારીતાના આધાર પર ગુજરાતની વિશ્વમાં ઓળખ પ્રસ્થાપિત કરી છે. જેને પરિણામ સ્વરૂપ અમૂલ આજે સમગ્ર વિશ્વમાં સહકારીતાના પ્રતિક તરીકે પ્રખ્યાત છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો અને પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલકોની ચિંતા કરી ગુજરાતમાં બંધ પડેલી ડેરીઓને પુનઃજીવિત કરી હતી. જિલ્લે જિલ્લે ડેરીઓ દ્વારા દૂધની બનાવટોની વિકાસ યાત્રા આગળ ધપતી રહી જેને કારણે ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજય સરકારે ખેડૂતોની ચિંતા કરી શૂન્ય ટકા દરે કૃષિ ધિરાણ, સુજલામ સુફલામ યોજના, સૌની યોજના અને ખેડૂતોને ૧૦ કલાક વીજળી પૂરી પાડી ખેતરે ખેતરે પાણી પહોંચાડયા છે. ભૂતકાળના શાસકોએ કયારેય ટેકાના ભાવે અનાજનો એક દાણો ખરીદયો નહોતો અને ખેડૂતોની ઉપેક્ષા કરી હતી જેને પરિણામે ખેડૂતોને કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવો મળતા નહોતા તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજય સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત ૫૦૦૦ કરોડની ઉપજોની ટેકાના ભાવે ખરીદી કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજયના ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી અને પશુપાલન કરતા થાય તે માટે સરકારે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને ઘેર    બેઠાં આધુનિક ખેત પધ્ધતિઓ અંગેનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. જેને કારણે રાજયમાં કૃષિ ઉત્પાદન અને દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વમાં દૂધના પાવડરના ભાવ ઘટવાને કારણે ગુજરાતની ડેરીઓની સ્થિતિ ચિંતાજનક બની હતી, ત્યારે રાજય સરકારે પાવડરની નિકાસમાં ૩૦૦ કરોડની મર્યાદામાં દૂધના પાવડરની જેટલી નિકાસ કરવામાં આવશે તેમાં પ્રતિ કિલો ૫૦ની રાજય સરકાર તરફથી સહાય કરવામાં આવી રહી છે. સુપોષિત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે ડેરીઓના સહકારથી આંદોલન ઉપાડયું છે. ત્યારે અમૂલ દ્વારા નિર્મિત ટેક હોમ રાશન પ્લાન્ટ દ્વારા રાજયના ૧૦ જિલ્લાના ૯૦ તાલુકાની ૧૭૧૪૨ આંગણવાડીઓના ૬.૭૫ લાખ બાળકો અને ૭.૫૬ લાખ સગર્ભા માતાઓ-કિશોરીઓની પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવશે.

Previous articleમગફળીકાંડ પછી હવે તુવેરકાંડ ? સરકારની ૧૭ કરોડની તુવેર બે વર્ષથી ગોડાઉનમાં સડી રહી છે
Next articleભારત બ્રિટનના અર્થતંત્રથી આગળ જશે : મોદીનો દાવો