ઉચૈયા, વડ, ભચાદર, ધારાનોનેસ, છતડીયા આ પાંચ ગામોને જોડતી કેનાલ છેલ્લા આશરે પ થી ૭ વર્ષ પહેલા મંજુર થયેલ હોઈ પણ આ કેનાલનું કામ સંપૂર્ણ પુરૂ થયેલ ન હોય વહેલી તકે અટકેલ કેનાલનું કામ ફરી શરૂ કરવામાં આવે એવી પાંચ ગામોના ખેડૂતોની માંગણી છે. આ કેનાલ નીચે આશરે ૭૦૦ થી ૮૦૦ ખેડૂતોની જમીન આવેલી હોય જેથે કેનાલનું કામ વહેલી તકે પુરૂ થઈ જાય તો તમામ ગામના ખેડૂત પરિવારને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થઈ શકે.
આ કેનાલમાં કામ પૂર્ણ કરાવવા માટે અવારનવાર સરકારમાં લેખીતમાં રજૂઆત કરેલ છે તથા તમામ ખેડૂતોને પોતાના ખેતરમાંથી કેનાલ પસાર કરવા દેવા માટેના સંપાદન કરીને તમામ ખેડૂતોને રકમ પણ ચુકવી આપવામાં આવેલ છે જેથી ખેડૂત લોકોને કેનાલનું કામ પૂર્ણ ચાલુ થવા દેવામાં વાંધો ના હોય જેથી વહેલી તકે કેનાલનું કામ ચાલુ કરીને પૂર્ણ કરવા પાંચ ગામના ખેડૂતોની માંગ છે. અમુક લોકો પોતાના અંગત લાભ માટે કામ અટકાવવા માંગતા હોય તો પોલીસ પ્રોટેક્શન તથા એસ.આર.પી. બંદોબસ્ત રાખીને કેનાલનું કામ પુરૂ કરવાની પણ રજૂઆત કરાયેલ.
જો આ કેનાલનું કામ દિવસ ર૧માં ચાલુ નહીં કરવામાં આવે તો પાંચ ગામના ખેડૂતો મળીને આગળની રણનીતિ ઘડીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, છતડીયાના સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા, ભચાદર સરપંચ તખુભાઈ ધાખડા, ધારાનાનેસ સરપંચ મહેશભાઈ ધાખડા, અમરૂભાઈ ધાખડા-શ્યામવાડી સહિત ચાર ગામના ખેડૂતોએ ધારાસભ્ય તેમજ સિંચાઈ વિભાગને આવેદનપત્ર આપી ચિમકી આપી હતી.


















