ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત નોટાનો વિકલ્પ

809
guj7112017-10.jpg

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પ્રથમ વખત ‘નોટા’ (નન ઓફ ધ અબોવ)નો ઉપયોગ થશે. અગાઉ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ગુજરાતમાં ‘નોટા’નો સૌપ્રથમ વખત ઉપયોગ થયો હતો. જેમાં કુલ ૪.૪૦ લાખ મતદાતાએ તેમની સામેના તમામ ઉમેદવારના વિકલ્પને ફગાવીને ‘નોટા’નું બટન દબાવ્યું હતું. ચૂંટણીમાં મતદાન દરમિયાન જે ઉમેદવારના વિકલ્પ સામે હોય તેમાંથી કોઇ પણ પસંદ આવે નહીં તો ‘નોટા’ના બટનનો ઉપયોગ  કરવામાં આવતો હોય છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠક પર વિજય મેળવ્યો હતો. જેમાં કુલ ૪.૪૦ લાખ મતદાતાઓ દ્વારા ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. આ પૈકી દાહોદમાંથી સૌથી વધુ ૩૨ હજાર, છોટા ઉદેપુરમાંથી ૨૮૮૦૦, વલસાડમાંથી ૨૬૫૦૦ મતદાતાએ ‘નોટા’નું બટન દબાવ્યું હતું. આ ત્રણેય મતક્ષેત્રમાં એ જ ઉમેદવાર વચ્ચે ચૂંટણી થઈ હતી જેઓ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ઊભા રહ્યા હતા.
ગુજરાતમાંથી નોટાનું પ્રમાણ ૧.૮ ટકા હતું. મજાની વાત એ છે કે આપ (૧.૨ ટકા), એનસીપી (૧ ટકો), બીએસપી (૦.૯ ટકા), જેડીયુ (૦.૪ ટકા) કરતા નોટાનું બટન ઈવીએમમાં વધારે દબાવવામાં આવ્યું હતું. વડોદરા કે જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ત્યાં ૧૮ હજાર લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.