વડોદરાના હુસૈને દિવાસળીઓમાંથી બનાવી સરદાર વલ્લભભાઈની મૂર્તિ

782

વડોદરામાં સાયકલ સ્ટોર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ યુવકે દીવાસળીની સળીઓની મદદથી સાડા છ ફૂટની લંબાઈ ધરાવતી સરદાર પટેલની પ્રતિમા બનાવી છે. આગામી ૩૧ ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના આ યુવકે સરદારની પ્રતિમા બનાવી એકતાનો સંદેશ આપ્યો છે. વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગર ખાતે રહેતા અને સાયકલ સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતાં હુસેન ખાં પઠાણ નામના યુવકે સરદાર પટેલને અનોખી રીતે જન્મદિવસની ભાવાંજલી આપી છે.

હુસેન ખાંએ વર્ષ ૨૦૧૮ના મે મહિનામાં સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું અને એ પ્રતિમા બનાવવા માટે હુસેન ખાંએ ૪૨૬૫ જેટલા દિવાસળીના બોક્સ ખરીદ્યા હતા. આ ઉપરાંત હુસેન ખાં એ સરદાર પટેલની પ્રતિમા બનાવવા માટે સાત કિલો ફેવિકોલ અને ૨૪ ફેવિકવિકનો ઉપયોગ કર્યો છે.

 

હુસેનખાં ને સરદાર સાહેબની પ્રતિમા બનાવવા માટે છ મહિના જેટલો સમય લાગ્યો હતો. મહત્વનું છે કે હુસેન ખાં મુસ્લિમ કુટુંબમાંથી આવે છે અને ખૂબ જ નબળી આર્થિક સ્થિતિમાં રહી રહ્યા છે. તેમ છતાં દરેક કોમ ના તહેવાર હોય કે પ્રસંગો હોય હુસેન તેમની આ કળાના માધ્યમથી પ્રસંગો ઉચિત આર્ટ વર્ક કરી લેતાં હોય છે. થોડા સમય પહેલા ગણેશોત્સવ દરમિયાન હુસેનખા એ દીવાસળીની સળીથી ૩.૫ ફૂટના ગણેશ બનાવ્યા હતા.

Previous articleમોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમનો અસરગ્રસ્તો વિરોધ નહીં કરે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
Next articleઆગામી પાંચ દિવસ સુધી સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી છોડાશે : નીતિન પટેલ