કેન્દ્ર સરકાર દ્વારા રાફેલ ડિલની પ્રક્રિયા અને કિંમતોના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં માહિતી આપવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ હજુ પણ નિવેદનબાજી જારી રાખી છે. મોદી સરકાર ઉપર પ્રહાર કરતા રાહુલે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં મોદીએ પોતાની ભુલ સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં મોદીએ પોતાની ચોરીની વાત સ્વીકારી લીધી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, હવાઈ દળને પુછ્યા વગર કોન્ટ્રાક્ટ બદલી દેવામાં આવ્યો હતો અને ૩૦૦૦૦ કરોડ રૂપિયા અંબાણીના ખિસ્સામાં મુકી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને આ મુજબની વાત કરી છે. કેન્દ્ર સરકારે રાફેલ ડિલના નિર્ણયની પ્રક્રિયા અંગેની માહિતી અરજીદારોને પણ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં સીલકવરમાં રાફેલની કિંમત અંગે પણ માહિતી આપી દેવામાં આવી છે. બીજી બાજુ રાફેલ બનાવનાર કંપની દસોના સીઈઓના ઇન્ટરવ્યુ અંગે પણ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું છે કે, નક્કી કરવામાં આવેલા ઇન્ટરવ્યુ અને નક્કી કરવામાં આવેલા નિવેદન પણ રાફેલ કૌભાંડને છુપાવી શકે નહીં. લાભ મેળવનાર વ્યક્તિ અને સહઆરોપીના નિવેદનોનું કોઇ મહત્વ નથી. લાભ મેળવનાર અને આરોપી પોતાના કેસમાં જજ બની શકે છે. રાહુલ ગાંધીના આક્ષેપોને દસોના સીઈઓ દ્વારા રદિયો આપવામાં આવી ચુક્યો છે. ટ્રૈપિયરનું કહેવું છે કે, ભારત સાથે કંપની લાંબા સમયથી કરારો કરતી રહી છે. હવે પણ કરારો જારી છે. રાહુલ ગાંધીના આક્ષેપોને સ્પષ્ટપણે રદિયો આપવામાં આવ્યો છે.



















